
- વોટ ચોરીની જેમ ખેડૂતોની જમીન ચોરી કરવાનો કારસો થઇ રહ્યો છેઃ લાલજી દેસાઈ,
- ગુજરાત કોંગ્રેસના દ્વારા સૌરાષ્ટ્રમાં સતત 7 દિવસ ખેડૂત સંમેલનો યોજાશે,
- બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી પણ હજુ પણ ખેડૂતોને ૫ લાખનું ધિરાણ મળ્યું નથી,
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 11 સપ્ટેમ્બર 2025થી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના મુદ્દે “ખેડૂત અધિકાર યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના 50થી વધુ આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્રમાં જીલ્લા પંચાયતની બેઠકો દીઠ સતત 7 દિવસ ખેડૂત સંમેલન કરશે. તેમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈ તેમજ ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રવક્તા યુવરાજસિંહ રાણા સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચનાથી આગામી તારીખ 11 સપ્ટેમ્બર 2025થી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના મુદ્દે “ખેડૂત અધિકાર યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના 50થી વધુ આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્રમાં જીલ્લા પંચાયતની બેઠકો દીઠ સતત 7 દિવસ ખેડૂત સંમેલન કરશે. તેમાં ખેડૂતોના મુદ્દાઓ તેમની સમસ્યાઓ અને તેમના સળગતા સવાલોને સમજીને સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલનમાં શું કરી શકાય અને ખેડૂતો તથા પશુપાલકોના અધિકારો બચાવવા માટે આ પ્રથમ રૂપરેખા રહેશે. ત્યાર બાદ ખેડૂતોનું પ્રથમ મહા સંમેલન નવરાત્રી પહેલા સૌરાષ્ટ્રમાં થશે. ત્યાર બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો, પશુપાલકો દૂધ ઉત્પાદકો અને આદિવાસી વિસ્તારમાં જેમના જમીનના હક્કો છીનવાયા છે તેઓ સહુને સાથે રાખીને આવનાર દિવસોમાં ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવામાં આવશે.
તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અને ગજરાતમાં પણ રસાયણિક ખતરો જેવા કે, યુરીયા, ડીએપી, એનપીએ કુત્રિમ અછત સર્જાય છે. ખેડૂતોને જયારે જરૂરિયાત હોય ત્યારે મળતા નથી. તેમજ સાથે બિન જરૂરી નેનો યુરીયા મોંઘા ભાવે ભટકાડી દેવામાં આવે છે.
ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રવક્તા યુવરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર વાત ખેડૂતોના હિતની કરે છે અને તમામ નિર્ણયો ખેડૂતોના અહિતના નુકશાનકારી લે છે. નાણામંત્રી નિર્મલા સીતારમનજીએ ચાલુ વર્ષના બજેટ દરમ્યાન ખેડૂતોને આપવામાં આવતી કિશાન ક્રેડીટ કાર્ડ લોનની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ પ્રતિ ખેડૂત કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હકીકતે 6 માસના અંતે આજ દિન સુધી પણ ખેડૂતોને 5 લાખનું ધિરાણ મળ્યું નથી. જાહેરાત માત્ર ખેડૂતોને છેતરવા પુરતી સીમિત હતી.
ચાલુ વર્ષે 2025-26ની એમએસપી સરકારે જાહેરાત કરી ત્યારે સરકારે ખૂબ મોટો ઢંઢેરો પીટેલો કે ભાજપની સરકારે ખેડૂતોના હિતમાટે એમ.એસ.પી.માં 2014 થી અત્યાર સુધીમાં બમણો વધારો છે તેની વાહ વાહી કરી હતી. પરંતુ ટકાવારીના આકડા જોતા વાસ્તવિકતા કંઇક જુદી દેખાઈ રહી છે.