1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ
ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ

ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ

0
Social Share
  • સ્વ-સહાય જુથોને 1432 કરોડથી વધુ ફંડ તેમજ 3652 કરોડની કેશ ક્રેડિટનું વિતરણ,
  • રાજ્યમાં 5.96 લાખ મહિલાઓ બની લખપતિ દીદી”,
  • ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને અપાઈ તાલીમ

ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જરૂરિયાતમંદ ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થકી રોજગારી પૂરી પાડતી સંસ્થા એટલે રાજ્ય સરકાર સંચાલિત ‘ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ’-GLPC.

રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૬૯ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૬ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૦ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૪.૬૩ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૨ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૩,૬૫૨ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં “લખપતિ દીદી” પહેલ હેઠળ અત્યારસુધીમાં કુલ ૫.૯૬ લાખ લખપતિ દીદી બનાવવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૧૨ હજારથી વધુ કૃષિ સખીઓને તાલીમ પણ આપવામાં આવી છે તેમજ કૃષિ વિભાગના સહયોગથી ૧૨૫ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

ગ્રામ વિકાસ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર સંચાલિત GLPCની કૃષિ આજીવિકા હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓ કૃષિ પર્યાવરણીય પદ્ધતિઓ, એગ્રી ન્યુટ્રી ગાર્ડન, પશુપાલન, નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગ, ડ્રોન દીદી, પ્રોડ્યુસર ગ્રુપ, કેટલ ફીડ યુનિટ, પોલ્ટ્રી, બકરાં ઉછેર જેવી વિવિધ યોજનાઓ સાથે સંકળાયેલી છે. જેમાં રાજ્યની અંદાજે ૨.૭૭ લાખ મહિલાઓ પાક આધારિત પ્રવૃત્તિઓમાં, ૬.૧૧ લાખ મહિલાઓ પશુપાલન ક્ષેત્રમાં, ૧૦ હજાર મહિલાઓ વનઉત્પાદન ક્ષેત્રમાં અને ૧૬ હજાર કરતાં વધુ મહિલાઓ મત્સ્યપાલન ક્ષેત્રમાં કાર્યરત છે.

આ ઉપરાંત GLPCની નોન ફાર્મ આજીવિકા હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, હેન્ડલૂમ અને હસ્તકલા, માટી કામ, ટેક્સટાઇલ ઉત્પાદન, કેન્ટીન અને કેટરિંગ સેવા, બેંક પ્રતિનિધિ, હાથથી બનેલા સ્વચ્છતા ઉત્પાદનોના ઉત્પાદન, સર્વિસ સેગમેન્ટ વગેરે સાથે પણ સંકળાયેલી છે. ચાલુ વર્ષે રાજ્યમાં ૫૦ જેટલી નવી કેન્ટીનની સ્થાપના સાથે કુલ ૨૦૦ મંગલમ કેન્ટીનો થકી સ્વ-સહાય જૂથોની મહિલાઓને આજીવિકા મળી રહી છે.

વધુમાં, CSR પ્રવૃત્તિ અંતર્ગત રાજ્ય સરકારે સ્ટેટ ગ્રામીણ આજીવિકા મિશન-SRLM હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન, પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ, બાયફ, CSR બોક્સ, સુપથ ફાઉન્ડેશન જેવી અનેક NGO, કંપનીઓ તથા ટ્રસ્ટ સાથે જોડાણ કર્યું છે. જેના પરિણામે કસ્ટમ હાયરિંગ સેન્ટર, કેટલ ફીડ યુનિટ, માઇક્રો એન્ટરપ્રાઇઝ, કેન્ટીન વગેરે જેવી આજીવિકા પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં વિકસાવવામાં આવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને સીધી માર્કેટ લિંકેજ માટે સરસ ફેર, સખી ક્રાફ્ટ બજાર ઇવેન્ટ, નેશનલ એક્ઝિબિશન, ગ્રામ હાટ, રેલવે સ્ટેશન પર રિટેલ સ્ટોર, ડિજિટલ કેટલોગ, સોશિયલ મીડિયા પ્રમોશન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ વગેરે મારફતે સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૨૦૦થી વધુ સરસ ફેર, પ્રાદેશિક મેળા, રાખી મેળા અને નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૫,૯૫૦થી વધુ SHGને તેમના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ માટે અસરકારક માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવ્યું છે. જે અન્વયે આ સ્વ-સહાય જૂથોની મહિલાઓએ રૂ. ૪૮ કરોડથી વધુનું વેચાણ કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code