રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું. જ્યારે જુનાગઢના કેશોદમાં 10, કંડલા હવાઈમથક પર 11, ભુજમાં 12, અમદાવાદ અને અમરેલીમાં 13, સુરેન્દ્રનગર અને કંડલા બંદર પર 14, ભાવનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમન નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.