1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસે શરીર સંબંધી ગુનાઓ ગંભીરતાથી લઈ ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો
ગુજરાત પોલીસે શરીર સંબંધી ગુનાઓ ગંભીરતાથી લઈ ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો

ગુજરાત પોલીસે શરીર સંબંધી ગુનાઓ ગંભીરતાથી લઈ ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો

0
Social Share

ગાંધીનગરઃ ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જ્યાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. 

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહિ, આ ગુનાઓ પૈકી 45 ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે. 

તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશન પૈકી 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ શરીર સંબંધી 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યુ છે. તે જ રીતે સુરત શહેરના કુલ-33 પોલીસ સ્ટેશન પૈકી 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં, વડોદરા શહેરના કુલ-27 પોલીસ સ્ટેશન પૈકી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કુલ-15 પોલીસ સ્ટેશન પૈકી 05 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ડિટેઇલ એનાલીસીસને અંતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોના ૩૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan)પ્રોજેક્ટ અમલમાં મુકી “Evening Policing” પર ખાસ ભાર મુક્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ, સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે વિશેષ પોલિસિંગ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બને. તે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનો, જ્યાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઉંચું છે, ત્યાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. SHASTRA ટીમો દરેક પોલીસ સ્ટેશન માટે નિશ્ચિત કરવામાં આવશે અને તેમનો રોલકોલ સાંજે 8 વાગ્યાને બદલે દરરોજ સાંજે 6 વાગ્યે લેવાશે. 

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, “SHASTRA પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પરંતુ શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો પણ પ્રયાસ છે.” ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો આપની આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહયોગ આપશો.

SHASTRA પ્રોજેક્ટ હેઠળના પોલીસ દ્વારા લેવાશે મહત્વના પગલાં:

•    સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ટીમો તૈનાત કરાશે.
•    પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર દરોડા અને ફુટ પેટ્રોલીંગ વધારાશે.
•    આ 33 મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે.
•    સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે અને 135 GP એક્ટ હેઠળ વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
•    દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનાવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code