
- કચ્છમાં 88.8 ટકા, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા,નોંધાયો
- સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73, અને મધ્ય ગુજરાતમાં 56.81 પડ્યો
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે 20મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.8 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73 ટકા, અને મધ્ય ગુજરાતમાં 56.81 જ પડ્યો છે. એટલે આ બન્ને વિસ્તારોમાં વરસાદની ઘટ સારીએવી જોવા મળી રહી છે. જો કે કાલે 21મી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી છે. એટલે આશા છે, કે વરસાદની ઘટ પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં અત્યાર સુધી કુલ સરેરાશ 73 ટકા એટલે કે 643.98 મિ.મી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સંજોગોમાં એવરેજ 883 મિ.મી. જોવા મળે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે. રાહત નિયામકના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછો 47 ટકા વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે, જે પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં આવે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં અનુક્રમે 54.73 ટકા અને 56.81 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીએ ઓછો વરસાદ થયો છે
હવામાન વિભાગે કાલે 21મી ઓગસ્ટથી મહિનાના અંત સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે જિલ્લામાં 50 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે તે જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની ખેંચ ઊભી થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 730 મિ.મી. વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે માત્ર 399 મિ.મી જોવા મળ્યો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 811 મિ.મીની એવરેજ સામે 460 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં માત્ર 51.51 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ચોમાસાની સિઝનના અંત સમયમાં ઘણો વરસાદ થયો છે તેથી હવામાન વિભાગના અધિકારીઓ પણ સારા વરસાદની મીટ માંડીને બેઠાં છે. રાહત નિયામકે વરસાદના ડેટા માટે ગુજરાતને 5 ઝોનમાં વહેંચ્યું છે, જે પૈકીના બે ઝોનની હાલત સિઝનના વરસાદની સામે કઠીન છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં 63.30 ટકા વરસાદ થયો છે, જ્યારે આણંદમાં 68.41 અને વડોદરામાં 66.67 ટકા વરસાદ જોવા મળ્યો છે. (File photo)
#GujaratRainfall | #Monsoon2024 | #WeatherUpdate | #RainfallStatistics | #RegionalRainfall | #KutchRainfall | #SaurashtraRainfall | #SouthGujarat | #NorthGujarat | #CentralGujarat | #WeatherForecast | #DroughtConcerns