
ગુજરાતઃ પોલીસ વિભાગમાં 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે
અમદાવાદઃ દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો PILમાં સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ પોલીસ ભરતીને લઇને વધુ વિગતો રજૂ કરાઇ હતી.પોલીસ વિભાગની ખાલી કૂલ 25,660 જગ્યાઓ પૌકી 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટના નિર્દેશાનુસાર પોલીસ ભરતી અને તેની પ્રક્રિયાને ઇ કેલેન્ડર રજૂ કરાયુ હતું. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કેલેન્ડર મુજબ, ભરતી પ્રક્રિયા હાથ ધરવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી 11 એપ્રિલના રોજ રાખી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે, અગાઉ રાજ્ય સરકારે પહેલા તબક્કાની ભરતીને લઇને રજૂ કરેલી વિગતોમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીમાં પ્રથમ તબક્કાની 11 હજાર જેટલી જગ્યાઓ સામે રાજ્યભરમાંથી કૂલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ ઉમેદવારોની શારીરિક કસોટીની પ્રક્રિયા માર્ચ મહિનામાં પૂર્ણ થઇ જશે. મે-2025 સુધીમાં પ્રથમ તબક્કાની ભરતીની લેખિત પરીક્ષા યોજાઇ જશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન સહિતની પ્રક્રિયા હાથ ધરી જુલાઇ સુધીમાં પહેલા તબક્કાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય તેવી શક્યતા છે.રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબ અને ભરતી કેલેન્ડર રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી એપ્રિલમાં રાખી હતી.