
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જુનાગઢ સહિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,
- ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોચ્યું,
- સૌરાષ્ટ્ર સિવાય રાજ્યમાં હવે મેધરાજા ખમૈયા કરશે,
- 65 કિમીની ઝડપે પવન ફુંકાશે
અમદાવાદઃ ગુજરાતના વડોદરા, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં આવ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. જેના કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, હવે ગુજરાતના ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ખમૈયા કરશે, પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ યથાવત્ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે સવારે 10 વાગ્યાની આગાહી અનુસાર ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોંચ્યું છે. તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રનો દરિયો પણ તોફાની બન્યો છે.
હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોના 80 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદની પગલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. 30 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર તેમજ બીજી બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે. છેલ્લા સાતથી આઠ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે. ઠેર-ઠેર પાણી ભરાયાં છે અને રોડ રસ્તા બેટમાં ફરેવાયા છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં તો લોકોનાં ઘરમાં પણ પાણી ઘૂસી ગયાં છે. પરંતુ હવે આ તમામ સમસ્યાનો નિકાલ આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં ભળી જશે. આ સાથે જ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.