
- વડોદરા પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની જાગૃતિનું અભિયાન શરૂ કરાયું,
- હેલ્મેટ નહી પહેરનારા વાહન ચાલકો સામે ઝીરો ટોલરન્સથી કાયદાનું પાલન કરાવાશે,
- પોલીસ દ્વારા હેલ્મેટ માટે સઘન ઝૂંબેશ શરૂ કરાશે
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. મોટાભાગના દ્વીચક્રી વાહનો અકસ્માતમાં રોડ પર પટકાતા માથામાં ઈજા થવાથી મોતને ભેટતા હોય છે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકોને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવો જરૂરી છે. હેલ્મેટનો કાયદો હોવા છતાંયે મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી. આથી શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની જાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને શહેર પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, સાંસદ, સયાજી હોસ્પિટલના અધિક્ષક સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવામાં આવશે અને હેલ્મેટ નહી પહેરનારા વાહન ચાલકો સામે ઝીરો ટોલરન્સથી હેલ્મેટના કાયદાનું અસરકારક રીતે અમલીકરણ કરાવવામાં આવશે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે, અમે હેલ્મેટના નિયમનું કડકાઇથી અમલ કરવા માંગીએ છીએ. વડોદરામાં કાર્યરત વ્હીકલ ડીલરો, વાહન વેચે તેની સાથે તેમને બે હેલમેટ સ્ટાન્ડર્ડ આપવા જોઈએ. આગામી 15 સપ્ટેમ્બરથી અમે ઝીરો ટોલરન્સ એપ્રોચ સાથે હેલ્મેટના નિયમનું પાલન કરાવવાનું શરૂ કરીશું. પોલીસ વાહનચાલકોને રોકે તો તે વિલન નથી. તે વાહનચાલકોની નિષ્કાળજી જણાવીને, નિયમોનું પાલન કરાવવા માટે કહેશે.
વડોદરા શહેર પોલીસ કમિશનરે અપીલ કરતા કહ્યું હતું કે, જો દ્વીચક્રી વાહનચાલકો પાસે હેલ્મેટ હોય તો આજથી જ તેનો ઉપયોગ કરવાનું શરૂ દેવુ જોઈએ. જો વાહનચાલકો પાસે હેલ્મેટ ના હોય તો નજીકમાં સ્ટાન્ડર્ડ હેલ્મેટ ખરીદીને તેનો ઉપયોગ કરવો જોઈએ. વાહનચાલકો પોતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવે તે જરૂરી છે.
રાજ્યભરમાં હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવવાનો નિયમ લાગુ છે પરંતુ, વડોદરામાં તેની અમલવારી જોઇએ તેવી રીતે થતી નથી. જેને પગલે રોડ અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચવા તથા મૃત્યુ થવાની શક્યતાઓમાં વધારો રહે છે. નાગરિકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તરફ વાળવા માટે નિયમની કડક અમલવારીને લઇને ડેડલાઇન જાહેર કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ વાત સ્પષ્ટ પણે જણાવી છે. આ સાથે જ આજથી જ હેલ્મેટનો ઉપયોગ શરૂ કરી દેવા માટેની અપીલ કરી દેવામાં આવી છે.