રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટએ મહત્વનો આદેશ આપ્યો છે. 3 મહિના સુધી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય. હાઈકોર્ટે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા નિર્દેશ આપ્યો છે. અરજદારોએ ડિમ્પલેશનની નોટિસને હાઈકોર્ટ સાથે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચેલેન્જ પણ કરી છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. 27 જાન્યુઆરીએ રહેવાસીઓને ઘર ખાલી કરવા નોટિસ આપી હતી. તે અગાઉ ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલમાં અરજદારો અપીલમાં ગયા હતા. જેથી કોર્ટે કહ્યું કે, GRT ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે. ગુજરાત હાઇકોર્ટે 202ની નોટિસ રદ્દ કરી નથી પણ આ નોટિસ સામે ગુજરાત રેવન્યૂ ટ્રીબ્યુનલમાં જવા કહ્યું છે. જોકે ટેકનિકલી રદ્દ થઇ ગણાય, કેમ કે તેની અમલવારી હવે થશે નહીં. આમ આવતીકાલે ડિમોલિશન થશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે અરજદારોને 15 દિવસમાં ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલ કરવા અને GRTએ ત્રણ મહિનાની અંદર કેસ ચલાવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત 2010નું પુનર્વસનનું સરક્યુલર ધ્યાને લેવા તાકીદ કરી છે. આ ઉપરાંત 1358 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા.


