1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન
કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

0
Social Share

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરની સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા ૭ બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર ૧૦૦૦ બાળકોમાં ૧ બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે.

‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે.

*દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા*

સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના ડૉક્ટરો જણાવે છે કે, આ એક અત્યંત  જટિલ સર્જરી છે. સરેરાશ ૪ થી ૫ કલાક સુધી ચાલતી આ સર્જરીમાં કરોડરજ્જુને સીધી કરતી વખતે અત્યંત નાજુક ચેતાઓ (Nerves) અને રક્તવાહિનીઓ વચ્ચે કામ કરવાનું હોય છે.

સર્જરી દરમિયાન મુખ્ય પડકાર સતત ‘ન્યુરો-મોનિટરિંગ’નો હોય છે. જો કોઈ પણ પગલું ખોટું પડે, તો મુખ્ય રક્તવાહિનીની ઈજાને કારણે દર્દીનો જીવ જઈ શકે છે અથવા જીવનભરનો લકવો (Paralysis) આવી શકે છે. આ જોખમને ખાળવા માટે અમેરિકન ન્યુરો-મોનિટરિંગ ટીમ અને એનેસ્થેસિયા નિષ્ણાતોએ પણ ટેકનિકલ સહયોગ આપ્યો હતો.

*ખાનગી હોસ્પિટલના ખર્ચ સામે સરકારી સુરક્ષા કવચ*

આર્થિક પાસા પર નજર કરીએ તો, આ પ્રકારની જટિલ સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૫ થી ૧૦ લાખ જેટલો આંકવામાં આવે છે. ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ વર્ષ દરમિયાન આવી ૩૦ થી ૪૦ સર્જરીઓ કરે છે. આ કેમ્પમાં ૯ વર્ષના એક બાળક પર ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ કરવામાં આવી હતી, જે આધુનિક મેડિકલ સાયન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ બાળકની ઉંમર વધવાની સાથે તેની કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરશે. આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો અને દર્દીઓને પણ વિશાળ લાભ મળ્યો. આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે.

*ટીમ વર્ક, ગ્લોબલ પાર્ટનરશીપ અને મેડીકલ એકસેલન્સનું ઉત્તમ ઉદાહરણ*

આ કેમ્પમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલ અને ડૉ. પ્રેરક યાદવે સર્જરીનું નેતૃત્વ કર્યું હતું. તેમને એનેસ્થેસિયા ટીમમાં ડૉ. રીમા વનસોલા અને ડૉ. કિંજલ આનંદે પૂરતો સહયોગ આપ્યો હતો. જ્યારે અમેરિકાથી આવેલા સ્પાઇન સર્જન્સ ડો.વિરલ જૈન, ડો. હર્ષદ પટેલ, ડો. કેરન યંગ , ડો. ડેવેલ કેરોલ  અને   ડો. સ્કોટ કોવન એ જટિલ પ્રક્રિયાઓમાં પોતાની કુશળતાનો લાભ આપ્યો હતો. આ સફળતા બાદ આરોગ્ય રાજ્યમંત્રી  પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ પણ આ માનવીય અભિગમને બિરદાવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code