અમદાવાદમાં પાલડી વિસ્તારમાં થારના ચાલકે એક્ટિવાને મારી ટક્કર, ટોળાંએ કારના કાચ તોડ્યા
- જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો,
- બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દોડી ગયા,
- એક્ટિવાસવાર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ગત મોડીરાત્રે થાર કારએ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતુ. જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન 7 ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. અકસ્માત સર્જનારા કારચાલકની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે એક્ટિવા ઉપર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે બે થાર ગાડી અને ટુ-વ્હીલરો સાથે લઘુમતી સમાજના યુવકો મિરઝાપુરથી દાણીલીમડા જાન લઈને જઈ રહ્યા હતાં. તે દરમિયાનમાં એક થાર ગાડીની આગળના ભાગે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને થાર કારની ટક્કર વાગતા બન્ને રોડ પર પટકાયા હતા. જેમાં મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા, આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર યુવકને પકડી રાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ભાજપના ધારાસભ્ય અમિત શાહને કરવામાં આવતા તેઓ પુત્ર સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા
આ અકસ્માતના બનાવ અંગે ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો હતો કે પાલડી વિશ્વ કુંજ ચાર રસ્તા પાસે કેટલાક લઘુમતી સમાજના યુવકો દ્વારા અકસ્માત કર્યો છે અને ટોળા ભેગા થયા છે. હું અને મારો પુત્ર ત્યાં પહોંચ્યા હતા, ત્યારે થાર ગાડી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, જેને લોકોએ પકડી રાખ્યો હતો. આ લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, 40થી 50 બાળક અને બે થાર ગાડી લઈને ચિચિયારીઓ કરતુ ટોળું નીકળ્યું હતું. એક્ટિવા ઉપર જતા દંપતીને ટક્કર મારી હતી, જેમાં દક્ષાબેન શુક્લ નામના મહિલાને ઈજા થઈ હતી. સ્થાનિક છોકરાઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, જેથી તેમના ઉપર આ લોકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. તેઓ સામસામે આવી ગયા હતા, જેથી તાત્કાલિક આ મામલે ડીસીપીને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત સર્જનાર યુવકોને પાલડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. હાલ પોલીસ દ્વારા બંનેને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે.


