- જથ્થાબંધ માર્કેટમાં લીલા શાકભાજીની ધરખમ આવક
- એક સમયે 100ના કિલોના ભાવે વેચાતા શાકભાજી હાલ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે
- મોટાભાગના શાકભાજીનો રૂપિયા 10થી 35ના કિલોનો ભાવ છે
અમદાવાદઃ રાજ્યના તમામ શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. આથી આવક વધતા મોટેભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક સમયે 100 રૂપિયે કિલોના ભાવે મળતુ શાકભાજી હાલ 10થી 35 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. શિયાળો હવે બરોબરનો જામ્યો છે, છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે શાકભાજીની પણ યાર્ડમાં ભરપુર આવક થઇ રહી છે. શિયાળાની ઋતુમાં દર વર્ષે શાકભાજી સસ્તુ હોય છે. આ ઋતુમાં દરેક શાકભાજીની ભરપુર આવક થતી હોય છે.
રાજ્યમાં અમદાવાદ સહિત તમામ શહેરોની માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. આવક વધતાં ભાવમાં ઘટાડો થયો છે. કેટલાક દિવસ પહેલા શાકભાજીના ભાવ આસમાને હતા. છેલ્લો પાછતરો વરસાદ પડવાથી પાકને મોટું નુકશાન થયું હતું. જેને પગલે આવક પણ મોડી શરુ થઇ હતી. શાકભાજી 100નું કિલોએ વહેંચાય રહ્યું હતું ત્યારે શિયાળો જામતા જ આવકમાં પણ વધારો થયો છે. લોકલ આવક શરુ થતાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. 100નું કિલોએ વહેચાતું શાકભાજી હવે 10 થી 35નું કિલો થઇ ગયું છે. જેને કારણે ગૃહણીઓને મોટી રાહત મળી છે.
અમદાવાદ સહિત તમામ એપીએમસીમાં થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક લેવેલે ગામડાંઓમાંથી ભરપૂર આવક શરુ થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયોછે. રાજકોટ એપીએમસીમાં તો હોલસેલમાં કોબીચ 2-3, ફુલાવર, દુધી રૂા.5 થી 6, ડુંગળી રૂા.5 થી 10 રૂપિયા કિલોના ભાવ બોલાયા છે. જો કે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. ખેડુતોને ખેતરથી માર્કેટ સુધી શાકભાજી લાવવાનો ખર્ચ પણ નીકળતો નથી. હાલ યાર્ડમાં ડુંગળીની પણ મબલખ આવક થઇ રહી છે. એક સમયે લોકોને રડાવતી ડુંગળીના ભાવ તળીયે આવી ગયા છે. આ ઉપરાંત યાર્ડના નવા બટેટાની પણ આવક શરુ થઇ ચૂકી છે.
શિયાળાની સીઝન શરૂ થયા બાદ પહેલીવાર શાકભાજીના ભાવમાં રાહત મળી છે. કોબીજ, રીંગણા, ડુંગળી, ફુલાવરની મબલખ આવક થઇ રહી છે. નવા બટેટા યાર્ડમાં આવવા ભાવ 20 થી 25ના કિલો છે. હાલ ગુજરાતના સેન્ટરોમાંથી ટમેટાની આવક થતી ન હોવાથી બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. જેના કારણે ટમેટાના ભાવ હજુ પણ વધારે જોવા મળી રહ્યા છે. શિયાળામાં સૌથી વધુ ખવાતું ઉંધીયું બનાવવું પણ હવે સસ્તુ બનશે. જે દરેક પ્રકારના શાકભાજીનો ઉપયોગ થઇને બને છે. તે આરોગ્યપ્રદ ઉંધીયુ બનાવવું પણ સસ્તુ થશે. શિયાળો શરૂ થતાં જ લીલોતરી ખાવાનું ખૂબ મહત્વનું હોય છે જેમાં કોથમરી, મેથી, પાલક બહોળા પ્રમાણમાં આરોગવામાં આવે છે.
રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. લીલી હળદર, ડુંગળી, લસણ, મકાઇ, જીંજરા, (લીલા ચણા)ની મબલક આવક શરુ થઇ છે. શિયાળો આ વર્ષે થોડો મોડો શરૂ થતાં લીલા શાકભાજી પર તેની અસર જોવા મળી હતી ત્યારે હાલ લીલા શાકભાજીની ભરપૂર આવક જોવા મળી રહી છે.