
- દારૂડિયાને બચાવવા વીજ લાઈન બંધ કરાતા ત્રણ કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો,
- ફાયર બ્રિગેડે મહા મહેનતે દારૂડિયા શખસનું રેસ્ક્યુ કર્યું,
- દારૂડિયો યુવાન મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવ્યો હતો
સુરતઃ શહેરના રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર એક દારૂડિયો નશાની હાલતમાં ચડી ગયો હતો. આથી સ્થાનિક લોકોએ વીજળીના હાઈટેન્શનલાઈનના થાંભલે ચડેલા યુવાનને જોઈને ફાયર વિભાગને કોલ કરતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નશામાં યુવક હાઈટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો. આ યુવાન મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના ફાયર વિભાગને ગત રાત્રે બે વાગ્યે કોલ મળ્યો હતો કે, સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે. જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને RPFના જવાનો દોડી આવ્યા હતા. ત્યારબાદ સૌથી પહેલા હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવ્યો હતો. જો કે, તે નશામાં હોય હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો. અને નીચે ઊતરવા તૈયાર ન હતો. ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમજ્યો નહોતો. જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. રૂપિયા અને મોબાઇલ નીચે ફેંકી દેનારો યુવક દારૂના નશામાં હતો. આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા.
પોલીસે યુવકની પૂછપરછ કરતાં પોતે 35 વર્ષ હોવાનું કહ્યું હતું. તે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી. 108 દ્વારા યુવકની તપાસ કરતા તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી.