
- શહેરના ફાયર વિભાગમાં ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ લગાડી રિયલ ટાઈમ ડેટા મેળવાશે
- તમામ ફાયરની ગાડીઓને GPSથી સજ્જ કરાશે
- શહેરના 23 ફાયર સ્ટેશનને ફાયરના આધૂનિક સાધનો અપાશે
સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શહેરમાં હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો આવેલા છે. ત્યારે આગ લાગવાની બનાવમાં ત્વરિત પહોંચી શકાય અને ઝડપથી આગને બુઝાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા મ્યુનિ.કોર્પોરેશને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. મ્યુનિના સત્તાધિશોએ ફાયરબ્રિગેડમાં ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે. આ ઉપરાંત ફાયર જવાનોને પોલીસની માફક બોડી વોર્ન કેમેરા અપાશે. જેથી ફાયર જવાન સ્થળ પર પહોંચતા જ અકસ્તમાત કેટલો ગંભીર છે તેની જાણકારી સીધી જ કંટ્રોલ રૂમને મળી જશે.
સુરત શહેરમાં તાજેતરમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાક થઈ હતી. અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. આવી ઘટનાઓમાં ફાયરબ્રિગેડ દ્વારા ત્વરિત કેવી રીતે પહોંચી શકાય, તેમજ અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે સમીક્ષા કરવામાં આવી હતી. સુરત શહેરના ફાયર વિભાગને વધુ અપડેટ કરીને આગ ઉપર ઝડપથી કાબુ મેળવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવા જરૂરી છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફાયર વિભાગને વધુ આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર વિભાગમાં ઇન્ટ્રીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરાશે. રિયલ ટાઈમ મોનિટર સિસ્ટમથી આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય તે જાણી શકાશે. ફાયરની તમામ ગાડીઓ પર જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે. ફાયરના કંટ્રોલરૂમમાંથી મોનિટર લગાડવામાં આવશે દરેક ગાડીમાં જેના થકી કયા રૂટ ઉપરથી ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચશે તે અંગે માહિતી આપવામાં આવશે. જેથી કરીને ઝડપથી જે તે સ્થળ ઉપર પહોંચી શકાશે.
આ ઉપરાંત આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચશે તેણે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો હશે. જે અધિકારી ત્યાં પહોંચે સીન ઓફ ફાયર કેવું છે તે જણાવશે. અધિકારી ઘટના સ્થળ પર પહોંચવાની સાથે જ રિયલ જે સ્થિતિ હશે તે પણ કંટ્રોલ રૂમને જાણ થઈ જશે. જેને કારણે જે પણ ગાડીઓ અવેલેબલ હશે તે પૈકી કઈ ગાડી ને ત્યાં પહોંચવા માટે જાણ કરવાની છે તે પણ કંટ્રોલરૂમમાંથી જ નક્કી થશે. રીયલ ટાઇમની સિચ્યુએશન ખબર પડતા વધુ સારી રીતે કામગીરી કરી શકાશે.
સુરત શહેરમાં 18 ફાયર સ્ટેશન અને એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. આ ઉપરાંત શહેરમાં નવા ફાયર સ્ટેશનની દરખાસ્ત છે. સુરત ફાયર વિભાગ પાસે હાલમાં 1500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ છે. તે જ સમયે ફાયર ટેન્ડર, વોટર બ્રાઉઝરથી લઈને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સુધીના કુલ 110થી વધુ આધુનિક વાહનો અને સાધનો છે. હજુ પણ જરૂરિયાત મુજબ ફાયરના અદ્યત્તન ટેકનોલોજી સાથેના ફાયરના સાધનો ઉમેરવામાં આવશે.