
પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ હોવાનુ ભારતે UNની કમિટી સામે પૂરાવા રજૂ કર્યા
પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRFને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં TRF અને પાકિસ્તાનનો હાથ છે.
ભારતે યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝમ(UNOCT) એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝમ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ (CTED) એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે TRF પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, TRF આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય અધિકારીઓએ ગુરુવારે (15 મે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને આંતકી સંગઠન TRFની ગતિવિધિઓ વિશે જાણકારી આપી હતી. ભારતે જણાવ્યું કે, પહલગામ હુમલામાં TRF પણ સામેલ હતું.
ભારતીય ટીમે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ TRFને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતે TRF ને સરહદ પારના આતંકવાદ સાથે જોડતા પુરાવા સાથે UNની 1267 સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર 2024 પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.
TRF આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરુઆતમાં 22 એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 લોકોના મોત થયા હતા. જોકે, બાદમાં તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન TRFએ સરહદ પાર પોતના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.