યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ, “પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર”
નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)માં પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું, જે તે કદી ભૂલી નહીં શકે. ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને “વૈશ્વિક આતંકવાદનું ઘર” ગણાવ્યું અને કહ્યું કે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન હંમેશા બેવડુ વલણ અપનાવે છે. યુએનમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ પાકિસ્તાની પ્રતિનિધિ મુહમ્મદ જવાદ અઝમલના નિવેદનનો કડક વિરોધ કરતાં કહ્યું કે, “પાકિસ્તાનનો પાખંડ અને બેવડુ વલણ આખા વિશ્વ સામે ખુલ્લું પડી ગયું છે.” તેમણે જણાવ્યું કે, આતંકવાદ માનવજાત માટેનું સૌથી મોટું જોખમ છે, અને પાકિસ્તાન જેવા દેશો માનવ અધિકારોના સૌથી મોટા ઉલ્લંઘનકર્તા છે.
અઝમલે યુએનમાં દલીલ કરી હતી કે, ભારત પર હુમલો કરનાર આતંકવાદીઓ “ફ્રીડમ ફાઇટર” છે, જે “વિદેશી કબજાના વિરોધમાં” લડી રહ્યા છે. તેના જવાબમાં રઘુ પુરીએ કહ્યું હતું કે, “આતંકવાદ માનવતા વિરુદ્ધનો ગુનો છે. આ કટ્ટરતા, હિંસા અને અસહિષ્ણુતાનું ભયાનક રૂપ છે. પાકિસ્તાન પોતાના આતંકવાદી જૂથોને સ્વતંત્રતા સેનાની કહે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાની ખુલ્લી અવગણના છે.”
પાકિસ્તાની કાઉન્સેલર અઝમલે યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ 46/51 (1991)નો ખોટો હવાલો આપતાં કહ્યું કે તે આતંકવાદ અને સ્વતંત્રતા સંઘર્ષ વચ્ચે ફરક બતાવે છે. પરંતુ 1994ના યુએન ઠરાવમાં સ્પષ્ટ લખાયેલું છે કે, “રાજકીય હેતુઓ માટે સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવાની કે હિંસા કરવાની કોઈ પણ ક્રિયા કદી પણ યોગ્ય ઠરી શકતી નથી, ભલે તેના પાછળ રાજકીય કે ધાર્મિક કારણો હોય.” તે ઠરાવમાં આ પણ સ્પષ્ટ છે કે, આતંકવાદના દરેક સ્વરૂપ, પદ્ધતિ અને પ્રવૃત્તિઓને અપરાધ ગણવામાં આવે છે, અને કોઈ પણ રાષ્ટ્રને બીજા દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન આપવાની ફરજ છે.
રઘુ પુરીએ અંતે કહ્યું હતું કે, “પાકિસ્તાન એ આતંકવાદનું કેન્દ્ર છે, જેના તારાઓ દુનિયાભરના નિર્દોષ નાગરિકો પર થયેલા અનેક હુમલાઓ સાથે જોડાયેલા છે.” ભારતના તીક્ષ્ણ પ્રત્યુત્તરથી યુએનમાં એક વખત ફરી સ્પષ્ટ થયું છે કે, આતંકવાદને કોઈ પણ રીતે ન્યાયસંગત ઠેરવી શકાય નહીં, અને પાકિસ્તાનનો દ્વિચારી ચહેરો હવે વિશ્વ સમક્ષ પૂરતો ખુલ્લો પડી ગયો છે.


