ભારતીય સેનાની ટુ-ફ્રન્ટ વોરને તૈયારીઓ, હવે ચીન સરહદ પાસે પણ શરૂ કર્યો યુદ્ધાભ્યાસ
નવી દિલ્હીઃ ભારત અને તેની સરહદો પર હાલ સૈનિક સ્તરે મોટી ચહલપહલ જોવા મળી રહી છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં અને રાજસ્થાનના થાર રણમાં ચાલી રહેલી ત્રિ-સેના સંયુક્ત કવાયત “ત્રિશૂલ” વચ્ચે, ભારતીય સેના હવે ચીનની સરહદ પર પણ બે મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસ એકસાથે શરૂ કરી ચૂકી છે. આ અભ્યાસોનો મુખ્ય હેતુ ટુ-ફ્રન્ટ વોર એટલે કે એક સાથે બે મોરચાઓ પર લડવા માટેની તૈયારીને વધુ મજબૂત બનાવવાનો છે.
ભારતીય સેનાની સ્પિયર કૉર (3 કૉર) દ્વારા અરુણાચલ પ્રદેશમાં “પૂર્વી પ્રચંડ પ્રહાર” નામની વિશાળ સેન્ય કવાયત શરૂ કરવામાં આવી છે. સ્પિયર કૉરે જાહેર કરેલા વીડિયો મુજબ, નદીથી લઈને પહાડો સુધી અને આકાશમાં પણ આ અભ્યાસની ગડગડાટ સંભળાઈ રહી છે. આ અભ્યાસમાં સેના, વાયુસેના અને નૌકાદળ ત્રણેય દળો એકસાથે ભાગ લઈ રહ્યા છે, અને હાઈ-ઑલ્ટિટ્યૂડ વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશનની ક્ષમતા આંકવામાં આવી રહી છે.
સેનાના જણાવ્યા પ્રમાણે, “પૂર્વી પ્રચંડ પ્રહાર”માં કેલિબ્રેટેડ ફાયરપાવર, સેના વચ્ચેનું સંકલન (સિનર્જી) અને ત્રિ-સેના મિશન તૈયારીઓની વાસ્તવિક કસોટી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત લદ્દાખમાં સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કૉર (14મી કૉર) દ્વારા ઇન્ટિગ્રેટેડ ફાયરપાવર એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે. પૂર્વી લદ્દાખના ક્ષેત્રમાં યોજાયેલી આ કવાયતમાં ખાસ કરીને આર્ટિલરી (તોપખાના) ફાયરિંગ અને ડ્રોન વૉરફેર ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી સરહદી વિસ્તારોમાં નવી ટેક્નિક અને રણનીતિનું પ્રદર્શન થઈ શકે.
આ દરમ્યાન ભારતીય નૌકાદળે “ત્રિશૂલ” એક્સરસાઇઝનો નવો વીડિયો જાહેર કર્યો છે. આ અભ્યાસમાં ત્રણેય દળો આર્મી, વાયુસેના અને નૌકાદળ વચ્ચે સંકલનનું નેતૃત્વ ભારતીય નૌકાદળ સંભાળી રહ્યું છે. 1 થી 13 નવેમ્બર સુધી ચાલનારી આ કવાયતમાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત સહિત 25 યુદ્ધ જહાજો ભાગ લઈ રહ્યા છે. વિક્રાંત પર તહેનાત લડાકૂ વિમાનો પણ આ ટ્રાઈ-સર્વિસ અભ્યાસનો ભાગ છે. તે ઉપરાંત વાયુસેનાના 40થી વધુ ફાઇટર જેટ્સ અને અન્ય એરક્રાફ્ટ પણ “ત્રિશૂલ” કવાયતમાં જોડાયા છે, જે ભારતની સંયુક્ત રક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કરે છે.


