મોરબી સિરામિકના 1500 કન્ટેનરો ખાડી યુદ્ધને લીધે પરત ફરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા
મોરબી, 23 માર્ચ 2026: 1500 containers of Morbi Ceramic returned due to Gulf War ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં મોરબીથી સિરામિક ટાઇલ્સ ભરીને જે કન્ટેનર મોકલાવવામાં આવ્યા હતા તેમાંથી 1500 જેટલા કન્ટેનરો સિરામિક કારખાનેદારોને પાછા આવ્યા છે ત્યારે કન્ટેનર ઉપર લગાવવામાં આવેલ ડેમરેજ અને સરચાર્જના કારણે પ્રત્યેક કારખાનેદારને લાખો રૂપિયાનો ખર્ચ થતા મુશ્કેલીમાં મુકાયા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને કારખાનેદારોને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર મળી શકે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેનાથી મોરબીના ઉદ્યોગકરોને હાલમાં થયેલા નુકસાન સામે થોડી રાહત મળે તેવી શક્યતાઓ છે. જો કે, યુએસ સહિતના દેશોમાં કન્ટેનરના ભાડા અને સરચાર્જના લીધે સિરામિકનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક કારખાનાઓમાંથી 450 જેટલા કારખાના ગેસના ભાવના કારણે બંધ થઈ ગયા છે અને આ કારખાનાઓ જ્યારે ધમધમતા હતા ત્યારે પોતાના કારખાનામાં ગેસનો ઉપયોગ કરીને સીરામીકની પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હતું તેને મિડલીસ્ટ અને અન્ય દેશોમાં મોકલવા માટે થઈને કન્ટેનર ભરી ભરીને માલ મોકલાવ્યો હતો જો કે, મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપરથી તેમજ દરિયાઈ માર્ગ ઉપરથી 1500 જેટલા કન્ટેનરો પરત ફર્યા છે. એટલું નહીં પણ શિપિંગ કંપનીઓએ ભાડા અને સરચાર્જ કન્ટેનર ઉપર લગાવ્યા છે જેથી ઉદ્યોગોકારોને બહુ મોટું નુકસાન થયું છે.
આ અંગે મોરબી સિરામિક એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે મોરબીથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ કન્ટેનરમાં ભરીને કન્ટેનરો મોકલવામાં આવ્યા હતા તેમાંથી અંદાજે 1500 જેટલા કન્ટેનર છેલ્લા દિવસોમાં પોર્ટ ઉપરથી અને દરિયાઈ માર્ગેથી પાછા આવ્યા છે એટલું જ નહીં શિપિંગ લાઇન વાળાઓએ ઉદ્યોગકારોના કન્ટેનર ઉપર 500 થી લઈને 3500 ડોલર સુધીનો સરચાર્જ લગાવ્યો છે તેમજ કન્ટેનર ઉપર લાખો રૂપિયાનો ડેમરેજ પણ લગાવવામાં આવ્યો છે. આ અંગેની અહીના ઉદ્યોગકારોએ કેપેકસીએલ ચેરમેનને રજૂઆત કરી હતી અને પ્રત્યેક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જેથી ઉદ્યોગકારો માટે કેપેકસીએલના ચેરમેન તરીકે નિલેષભાઈ જેતપરિયાએ ભારત સરકારના મંત્રી પિયુષ ગોયેલને રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ભારત સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને જે ઉદ્યોગકારો દ્વારા એક્સપોર્ટ કરવા માટે કન્ટેનરમાં માલ ભરીને મોકલાવ્યો હતો. તેઓને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર મળે તેના માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી મોરબીથી માલને એક્સપોર્ટ કરતાં એક્સપોર્ટરોને હાલમાં થયેલ નુકસાનમાં રાહત મળી શકશે. કહેવાય છે કે, કારખાનેદારોને 5 લાખથી લઈને 2 કરોડ સુધીના ડેમરેજ અને સરચાર્જ લાગ્યા છે.


