સુરેન્દ્રનગર, 13 માર્ચ 2026: Injustice done to Vadhwan by Surendranagar Municipality શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે. પણ વિકાસ કામોની ફાળવણીમાં વઢવાણનેઅન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. દ્વારા તાજેતરમાં સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરીમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મ્યુનિમાં નવા ભળેલા ગામો સાથે સ્પષ્ટ અન્યાય થતો જોવા મળી રહ્યો છે. કુલ રૂપિયા.૧૮.૪૫ કરોડના ખર્ચે ૧૫ જેટલા નવા રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાંથી સિંહફાળો સુરેન્દ્રનગર શહેરના વોર્ડને ફાળવી વઢવાણના માથે માત્ર ટાંચી રકમ આપવામાં આવતા વિરોધ ઊઠ્યો છે.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના સમયે વઢવાણ સહિત માળોદ, ખમીસણા, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોનો સમાવેશ એ આશાએ કરાયો હતો કે ત્યાં વિકાસની ગંગા વહેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારો આજે પણ પીવાનું પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. નવા રસ્તાના કામોમાં પણ આ પાંચ ગામોમાંથી એક પણ ગામમાં નવા રોડની મંજૂરી અપાઈ નથી, જેના કારણે ગ્રામીણ જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કુલ ૧૩ વોર્ડ પૈકી સુરેન્દ્રનગરના ૧૧ વોર્ડ માટે રૂપિયા.૧૬.૯૫ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે, જ્યારે તેની સામે વઢવાણ અને ભળેલા ગ્રામીણ વિસ્તારો માટે માત્ર રૂપિયા.૨.૫૦ કરોડના જ કામો મંજૂર કરાયા છે. અધિકારીઓ દ્વારા જાણીજોઈને વઢવાણના વિકાસને રૂંધવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. એક તરફ ગામડાઓ મ્યુનિનો ટેક્સ ભરે છે, તો બીજી તરફ સુવિધાના નામે તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. આ અસમાન ફાળવણી મ્યુનિ.કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઉભા કરે છે.


