
IPL:આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે, પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે મુકાબલો
મુંબઈઃ આઈપીએલ હવે ધીમે-ધીમે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે 18 ઓવર અને ચાર બોલમાં ચાર વિકેટે 230 રન બનાવીને મેચ જીતી લીધી હતી. બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ અણનમ 85 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. જીતેશ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સ આવતીકાલે પ્રથમ ક્વોલિફાયર મેચમાં એકબીજા સામે ટકરાશે. ત્રીજા સ્થાને રહેલ ગુજરાત ટાઇટન્સ શુક્રવારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. IPLની બીજી ક્વોલિફાયર મેચ પહેલી જૂને રમાશે અને અંતિમ મેચ ત્રીજી જૂને રમાશે. આ વર્ષે આઈપીએલની ટ્રોફી કોણ જીતે છે તેને લઈને ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં બેંગ્લોર અને પંજાબ એક પણ વખત ટાઈટલ જીત્યું નથી. પોઈન્ટ ટેબલ ઉપર પંજાબ અને આરસીબી ટોપ-2માં સ્થાન ધરાવતા હોવાથી તેમના પ્રશંસકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 61 બોલમાં 118 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર રિષભ પંતે કહ્યું કે આ વખતે તે શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો, જે તે અગાઉની મેચોમાં કરી શક્યો ન હતો. જોકે, તેની શાનદાર ઇનિંગ છતાં, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 227 રન બનાવ્યા પછી પણ હારનો સામનો કરવો પડ્યો. પંતે આ હાર પર કહ્યું, “અમે 40 ઓવર સુધી સારું ક્રિકેટ રમી શક્યા નહીં.” મેચ પછીની પ્રેઝન્ટેશનમાં, પંતે કહ્યું, “હું દરેક મેચ સાથે સારું અનુભવી રહ્યો હતો, પરંતુ ક્યારેક વસ્તુઓ તમારા મતે ચાલતી નથી. આજે હું નક્કી કરી ચૂક્યો હતો કે જો મને શરૂઆત મળે, તો મારે તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવી પડશે, જેમ કે અનુભવી ખેલાડીઓ કરે છે. મેં શ્રેષ્ઠ ખેલાડીઓ પાસેથી શીખ્યું છે કે જ્યારે તમને તક મળે છે, ત્યારે તેનો લાભ લો.”