
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળો આ વિસ્તાર પર નજર રાખી રહ્યા છે. ભારતીય સેનાએ આપેલી માહિતી અનુસાર, “સંયુક્ત દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તબીબી ટીમોને તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગના પહેલગામના બૈસરન વિસ્તારમાં સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હજુ પણ ચાલુ છે. સમગ્ર ધ્યાન હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવા પર છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા શ્રીનગર પહોંચ્યા અને સુરક્ષા દળોએ ગુનેગારોને શોધવા માટે એક વિશાળ કાર્યવાહી શરૂ કરી. પહેલગામ શહેરથી 6 કિમી દૂર બૈસરન મેદાન પર બપોરે 2.30 વાગ્યાની આસપાસ આતંકવાદી હુમલો થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે.
આ પછી ગૃહમંત્રી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા રાજભવન ગયા. તેઓ શ્રીનગર હોસ્પિટલમાં ઘાયલ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પણ મળશે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, અને બુધવારે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લેશે.