- યાર્ડમાં લાભપાંચમ પછી માવઠાંની સ્થિતિમાં પણ આવક ચાલુ રહી,
- યાર્ડમાં અનાજ, તેલિબિયા, કઠોળ સહિત જણસીનું રૂ. 99 કરોડના ભાવથી વેચાણ થયું,
- યાર્ડમાં 25 કરોડની મગફળી, 24 કરોડનો કપાસ અને 80 કરોડના મગ, અડદના સોદા થયા
રાજકોટઃ સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમના શુભ મૂહૂર્ત બાદ યાર્ડમાં અત્યાર સુધીમાં ખેડૂતોને ખરીફ પાકનું 147 કરોડથી વધુ ચૂકવણું કરવામાં આવ્યું છે. યાર્ડમાં પખવાડિયામાં આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી, આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે.
રાજકોટના બેડી યાર્ડમાં લાભપાંચમ પછી કમોસમ વરસાદ છતાં અનાજ, તેલિબિયા, કઠોળ સહિત 23,095 ટન જણસીનું રૂ. 146.99 કરોડના ભાવથી વેચાણ થયું છે, અર્થાત્ ખેડૂતો પાસેથી આ કૃષિપાક વિવિધ વેપારીઓ દ્વારા ખરીદ કરાયો છે. સૌથી વધુ આવક સોયાબીનની 36,700 ક્વિ.થઈ છે. યાર્ડમાં જ આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી, આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે. કૂલ 42 જણસીઓના સોદા થયા હતા અને હવે સુકુ હવામાન થતા તેમાં ગતિ આવી છે. બેડી યાર્ડના સત્તાધીશોએ માલ બગડે નહીં અને વ્યવસ્થા જળવાય તે માટે ટીમો ઉતારી છે. સમગ્ર સૌરાષ્ટમાં ગોંડલ, બોટાદ, મહુવા સહિતના માર્કેટ યાર્ડોમાં અંદાજે રૂ. 1,000 કરોડના કૃષિપાકના સોદા થયા છે.
આ વખતે ટેકાના ભાવે ખરીદી મોડી થઈ રહી છે પરંતુ, બીજી તરફ ખેડૂતોને ખરીફ સીઝનના રોકડાં નાણાંની ખર્ચનું ચક્ર ચલાવવા નાણાંની તીવ્ર જરૂર છે. આ સ્થિતિમાં વળી, માવઠાંનો સતત આઠ-દસ દિવસ માહૌલ રહ્યો છતાં યાર્ડમાં થયેલી શેડ વગેરેની વ્યવસ્થા મૂજબ જણસીનું વેચાણ કરાયું છે. જો કે મગફળી સહિત કેટલીક જણસીઓના ભાવ ગત વર્ષથી નીચા છે પરંતુ, પ્રક્રિયાની ઝંઝટ વગર આ ભાવ ફટાફટ ચૂકવવાની યાર્ડમાં પ્રથા રહી છે અને માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે પણ ખરીદાતો હોય છે.


