
- નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે,
- વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે
- ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹ 450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશની મહિલાઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કરીને આર્થિક રીતે પગભર કરવા અને તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાવ્યો હતો. લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક ₹10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક ₹1 લાખ કે તેથી વધુ આવક મેળવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વ્યાપક પ્રયાસોને કારણે આજે 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની વાર્ષિક આવક એક લાખ કે તેથી વધુ સુધી પહોંચી છે અને તેઓ લખપતિ દીદીઓ બની છે.
આ સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના 25 હજાર સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹ 450 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવશે.
નવસારીમાં વાંસી બોરસી ખાતે યોજાનારા લખપતિ દીદી સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓ ભાગ લેશે. આ મહિલાઓમાં મોટાભાગે સ્વસહાય જૂથોની સભ્ય મહિલાઓ, જેઓ લખપતિ દીદી બની છે અથવા તો બનવાની ઇચ્છા ધરાવે છે, તેઓ સામેલ થશે. પસંદ કરવામાં આવેલા 10 લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરશે અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. આ ઉપરાંત, ગુજરાતમાં લખપતિ દીદી યોજના અંતર્ગત જે પ્રગતિ થઈ છે, તે દર્શાવતી એક ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન બતાવવામાં આવશે..
અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.