સુરત, 06 માર્ચ 2026: Car driver doctor fell asleep and hit 4 vehicles શહેરમાં એક ખાનગી હોસ્પિટલના તબીબી કાર ચલાવીને પાલ-ઉમરા બ્રિજ પરથી મોડી રાતે જઈ રહ્યા હતા. ત્યારે થાકને લીધે તબીબીને ઝોકું આવી જતા તબીબે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારેએ એક ટેમ્પો અને ત્રણ બાઈકને અડફેટે લેતા 5 લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા પાલ પોલીસ દોડી આવી હતી. તબીબે પોલીસને કહ્યું હતું કે મને થાકને લીધે ઊંઘનું ઝોકુ આવી જતા બ્રેકને બદલે એક્સીલેટર દબાઈ જતા આ બનાવ બન્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના પાલ-ઉમરા બ્રિજ પર ગતમોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં 1 ટેમ્પો અને 3 બાઈક ચાલકો સહિત કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરી રહેલા ડૉ. વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સીલિટર દબાઈ જતાં કાર વાહનોને ફંગોળીને ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર તબીબની અટકાયત કરી તપાસ હાથ ધરી છે, જોકે મેડિકલ પરીક્ષણમાં તેઓ નશામાં ન હોવાનું અને અકસ્માત માત્ર અતિશય થાકને કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અંદાજે 11:00 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હોન્ડા કંપનીની WR-V કાર (નંબર: GJ 19 AM 8976)ના ચાલક ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી (ઉં.વ. 39, રહે. ભાઠા ગામ, પાલ)એ વાહન પરથી કાબૂ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક તપાસમાં ડૉ. વિરલકાંત લાઈફ લાઈન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ ઘટનામાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૈત્રી, સિવિલ અને સાયોના જેવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી.


