
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બનેલા શરમજનક દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 37 વર્ષીય આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેની ધરપકડ કરવામાં આવી છે. તે મોડી રાત્રે કોઈના ઘરે ભોજન કરવા ગયો હતો, તે જ વ્યક્તિએ તેના વિશે પોલીસને માહિતી આપી હતી. ગુરુવારે (27મી ફેબ્રુઆરી) રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે (28મી ફેબ્રુઆરી) તેને પૂણે કોર્ટમાં રજૂ કરવામાં કરાશે.
આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે વિરુદ્ધ પહેલાથી જ ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગ સહિતના કેસ નોંધાયેલા છે. તે વર્ષ 2019થી ફોજદારી કેસમાં જામીન પર બહાર હતો. આરોપી છેલ્લા બે દિવસથી ફરાર હતો, ત્યારબાદ પોલીસે તેને શોધવા માટે 13 ખાસ ટીમો બનાવી હતી. આ કેસમાં, પૂણે પોલીસે આરોપીઓ વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
પૂણેમાં આવેલું સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)ના સૌથી મોટા બસ ડેપોમાંનું એક છે. પીડિતાના જણાવ્યાનુસારસ, તે મંગળવારે સવારે 5.45 વાગ્યે એક સ્ટેન્ડ પર સતારા જિલ્લાના ફલટન જવા માટે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે આરોપીએ તેની સાથે વાતચીત કરી, તેને દીદી કહીને બોલાવી અને કહ્યું કે સતારા જતી બસ બીજા સ્ટેન્ડ પર આવી ગઈ છે.
પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે, ‘તે (આરોપી) મને બસ સ્ટેન્ડમાં બીજી જગ્યાએ પાર્ક કરેલી ખાલી શિવ શાહી એસી બસમાં લઈ ગયો હતો. બસની લાઇટ ચાલુ ન હોવાથી તે બસમાં ચઢવામાં અચકાતી હતી, પરંતુ તે માણસે તેને ખાતરી આપી કે તે યોગ્ય વાહન છે. ત્યાર બાદ આરોપીએ મારો પીછો કર્યો અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું.’
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘સરકાર આરોપીઓને મૃત્યુદંડ મળે તે માટે શક્ય તમામ પ્રયાસો કરશે. આ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણેએ આવા ગુનાઓને રોકવા માટે રાજ્યમાં એન્કાઉન્ટર સ્ક્વોડ પુનઃસ્થાપિત કરવાની હિમાયત કરી છે.’