
મહારાષ્ટ્રઃ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં હિતેશ મહેતાનો કરાવાયો પોલીગ્રાફ ટેસ્ટ
મુંબઈઃ 122 કરોડ રૂપિયાના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી હિતેશ મહેતાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ટેસ્ટ FSLએટલે કે ફોરેન્સિક સાયન્સ લેબમાં ફોરેન્સિક નિષ્ણાતો અને મનોચિકિત્સકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મહેતાને કૌભાંડ સંબંધિત લગભગ 40થી 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી પૂછપરછ તાલી હતી તેમાં રૂપિયા ટ્રાન્સફર, અન્ય આરોપીઓની ભૂમિકા અને બેંક ભંડોળના દુરુપયોગ જેવા મુખ્ય પાસાઓ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ 3થી 4 દિવસમાં આવવાની અપેક્ષા છે. આ રિપોર્ટના આધારે, ઘણા પાસાઓ પર સ્પષ્ટતા મળવાની શક્યતા છે. અગાઉ, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ આ મહિનાની શરૂઆતમાં માહિતી આપી હતી કે ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના કાર્યકારી અધ્યક્ષ ગૌરી ભાનુ અને તેમના પતિ હિરેન ભાનુ દેશ છોડીને ભાગી ગયા છે. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેને ભાગેડુ જાહેર કરશે.
હિરેન ભાનુ 26 જાન્યુઆરીએ દેશ છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા હતા, જ્યારે તેમની પત્ની ગૌરી ભાનુ 10 ફેબ્રુઆરીએ થાઈલેન્ડ ભાગી ગઈ હતી. RBI નિરીક્ષણના લગભગ બે અઠવાડિયા પહેલા હિરેન ભાનુ ભાગી ગયો હતો. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના 122 કરોડ રૂપિયાના ઉચાપત કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં બેંકના ભૂતપૂર્વ જીએમ હિતેશ મહેતા, બિલ્ડર ધર્મેશ પૌન અને અભિમન્યુનો સમાવેશ થાય છે. 122 કરોડ રૂપિયાના ઉચાપત કેસમાં મનોહરની આ ચોથી ધરપકડ છે.