1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ

0
Social Share
  • રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ,
  • યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ,
  • મહર્ષિ દયાનંદેવેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું જે આજના સમયમાં પણ જરૂરી છે,

ગાંધીનગરઃ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષ, સમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને ભારતને સામાજિક, ધાર્મિક અને રાજકીય જાગૃતિની દિશા પણ આપી હતી. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી અને “ કૃણવંતો વિશ્વમાર્યમ” નો ઉદઘોષ કરીને ભારતીય સમાજને નવી ઉર્જા આપી હતી.

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શોને વ્યવહારમાં મૂક્યા છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશીની ભાવના, મહિલા સશક્તિકરણ અને સામાજિક સંવાદિતાના અભિયાનો મહર્ષિ દયાનંદના ઉપદેશોનું આધુનિક સ્વરૂપ છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપી છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહર્ષિ દયાનંદજીએ હંમેશા પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ભાવનાથી પ્રેરિત થઈને, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આવા સમયમાં, પ્રાકૃતિક ખેતી એ એકમાત્ર ઉપાય છે જે ખેડૂતો, ઉપભોક્તાઓ અને પર્યાવરણ બધા માટે ફાયદાકારક છે.

રાજ્યપાલએ સેક્સ્ડ સોર્ટેડ સીમન ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ટેકનોલોજી દૂધ ઉત્પાદનમાં વધારો કરશે અને પશુપાલનમાં આર્થિક ક્રાંતિ લાવશે. આ તકનીકથી ગાયોમાં વાછરડીઓના જન્મની શક્યતાઓ વધુ હોય છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પશુપાલન ક્ષેત્રને નવી ગતિ આપી છે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે. તેમણે સત્ય અને સ્વદેશી પર ભાર મૂક્યો હતો. તેમનું માનવું હતું કે, જ્યાં સુધી સમાજ શિક્ષણ, સમાનતા અને આત્મનિર્ભરતા અપનાવે નહીં ત્યાં સુધી રાષ્ટ્રનો વાસ્તવિક ઉત્થાન શક્ય નથી.

રાજ્યપાલએ યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ કરી હતી. મહર્ષિ દયાનંદે ‘વેદો તરફ પાછા વળો’નું સૂત્ર આપ્યું હતું, જેની આજના સમયમાં પણ જરૂરિયાત છે.

રાજ્યપાલએ કહ્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીના વિચારો અને ઉપદેશો આજે પણ ભારતીય સમાજને શક્તિ અને દિશા પ્રદાન કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રાકૃતિક કૃષિ, પશુધન સંવર્ધન, આત્મનિર્ભરતા, સ્વદેશી, શિક્ષણ અને સંસ્કારી સમાજ દ્વારા ભારત આગામી વર્ષોમાં વિશ્વ સમક્ષ પોતાને “વિકસિત ભારત” તરીકે રજૂ કરશે.

આ તકે ‘1857 ડાયરી: ધ હીડન પેજીસ’ ફિલ્મના ટીઝર, પોસ્ટર અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી  દિપકભાઈ ઠક્કરે ગુજરાતમાં આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ  સુરેશચંદ્ર આર્યએ કાર્યક્રમનો ઉદ્દેશ અને રૂપરેખા વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં વાનપ્રસ્થ સાધક આશ્રમના પ્રબંધક ન્યાસી મુનિ  સત્યજીત, દર્શન યોગ મહાવિદ્યાલયના સ્વામી  બ્રહ્મવિદાનંદ જી આચાર્ય, દર્શન યોગધામ પ્રબંધક સમિતિના અધ્યક્ષ  આચાર્ય દિનેશ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના  વિજયભાઈ બોરીચા, રાજ્યભરના આર્યસમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code