
- બુધવારે બપોર સુધીમાં 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા,
- રાજ્યમાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ 64.62 ટકા થયો,
- સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો સીઝનનો 56.70 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડવાથી ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. દક્ષિણ ગુજારતામાં છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 16, 17 અને 18 ઑગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ અપર એર સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે.
રાજ્યના હવામાનના ખાનગી આગાહીકારોના કહેવા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે. જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ હાલ મોન્સુન ટ્રફ અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, લખનૌ, ગોરખપુર, દરભંગા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તર પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ તરફ પસાર થઈ રહ્યું છે. એ સિવાય કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલી રહ્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 16 ઓગસ્ટથી મૂશળધાર વરસાદ વરસશે
રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16થી 18 ઑગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 18 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથામાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.