- ખિજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા
- નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા
- વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા
ગાંધીનગર 4 જાન્યુઆરી 2026: Lakhs of migratory birds became guests in Gujarat સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે.
ગુજરાત વિશ્વભરના પક્ષીઓ માટે પસંદગીનું રાજ્ય બન્યું છે ત્યારે છેલ્લા એક વર્ષમાં જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૪ની છેલ્લી ગણતરી મુજબ નળ સરોવરમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૪.૧૨ લાખથી વધુ તેમજ થોળ પક્ષી અભયારણ્યમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૫૫,૫૮૭ પક્ષીઓ આમ કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. જ્યારે વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫માં યાયાવર પક્ષીઓની ૪૧ જાતિઓની અંદાજિત ૩૫,૯૩૨ સંખ્યા, વિવિધ પાંચ જાતિઓની અંદાજિત ૫,૧૪૭ તેમજ ૯૧ સ્થાનિક પક્ષીઓની અંદાજિત ૧૨,૯૨૧ સંખ્યા નોંધાઈ છે. જ્યારે કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. આ વિસ્તારમાં મુખ્યત્વે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ, ફેંલમીગો, નકટો, લુહાર, ચેતવા, ગયણો, કિચડીયા પક્ષીઓ, ગડવાલ, સીસોટી બતક, ચમચો, કાજીયા, કબુત બગલો, મલાર્ડ, ભગતડુ, નીલજલ મુરધો, આઈબીસ, નાની મુરધાબી, કોટન ટીલ સર્પગ્રીવ, કિંગફિશર, કુંજ, કરકરા, પીળી ચાંચ ઢોંક, ગલ, ટન, પતરંગો, શીફટ્, ઈગલ, શકરો, કાઈટ, જળહળ, ટુકટુકીયો, પીળક, દુધરાજ, કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત વસ્તી અંદાજ ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી ૨.૮૫ લાખથી વધુ નોંધાઈ છે.
વર્ષ ૧૯૬૯માં જાહેર થયેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૨૦.૮૨ ચો.કિ.મી. વિસ્તાર ધરાવે છે. જેને વર્ષ ૨૦૧૨માં રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય એ યાયાવર પક્ષીઓના સેન્ટ્રલ એશીયન ફલાયવેમાં આવે છે. તેના પરિણામે વિશ્વમાંથી યાયાવર પક્ષીઓ આવતા હોવાથી આ સરોવરમાં ૩૨૯ પ્રકારની પ્રજાતિઓ નોંધાઈ છે. ઉપરાંત નળ સરોવરમાં પેસેજ માઇગ્રેશન કરતા પક્ષીઓ પણ રોકાતા હોય છે.
થોળ પક્ષી અભયારણ્યમાં ડૂબકીઓ, પેણ, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, બતક, હંસ, કુંજ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, બાજ તેમજ નળ સરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક અને હંસ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, કુંજ, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, અને બાજનો સમાવેશ થાય છે.
કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં ૧,૫૭૭ યુરોપિયન રોલર અને ૩૧૩ સ્પોટેડ ફ્લાયકેચર નોંધાયા છે. આ સિવાય ૩૭૯ બ્લ્યુ ચેકડ બી ઈટર સહિત કોમન કુકો, Blue-cheeked Bee-eater, Rufous-tailed Scrub-Robin, Red-backed Shrike અને Red-tailed Shrike પ્રજાતિઓનો સમાવેશ થાય છે.


