સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર ‘રન ફોર યુનિટી’માં જોડાવવા દેશવાસીઓની મોદીની અપીલ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 31 ઓક્ટોબરે યોજાનાર “રન ફોર યુનિટી” માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે યોજાતા વિશાળ સમારોહનો એક અગત્યનો ભાગ છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “31 ઓક્ટોબરે રન ફોર યુનિટીમાં જોડાઓ અને એકતાની ભાવનાનો ઉત્સવ મનાવો! આવો, સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને નમન કરીએ.” ‘રન ફોર યુનિટી’ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનો મુખ્ય ભાગ છે, જે દેશની એકતા અને અખંડતાને વધુ મજબૂત બનાવવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે. સ્વતંત્રતા પછી ભારતની અનેક રિયાસતોને એક સૂત્રમાં બાંધવામાં સરદાર પટેલના યોગદાનને રાષ્ટ્રના ઈતિહાસમાં અમર સ્થાન મળ્યું છે અને તેમની વારસો આજેય પ્રેરણાસ્ત્રોત છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, “ભારતની વિશાળ વૈવિધ્યતામાં જ તેની આત્મા વસે છે. સરદાર પટેલનું અખંડ ભારતનું વિઝન આજે પણ આપણા માટે માર્ગદર્શક છે.” સરકાર દ્વારા આ અવસરે અનેક કાર્યક્રમો યોજાયા છે, જેમાં ગુજરાતના સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. આ પરેડમાં દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ ભાગ લેશે, જે ભારતની “વૈવિધ્યમાં એકતા”નું અનોખું પ્રતીક રજૂ કરશે.


