
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. છ વર્ષમાં કોઈ મોંગોલિયન રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. આ મુલાકાત ભારત અને મોંગોલિયાના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણીના અવસરે થઈ છે.
પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે મુલાકાતની શરૂઆત એક ભાવનાત્મક કાર્યક્રમથી થઈ.”અમારી મુલાકાત ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણથી શરૂ થઈ. રાષ્ટ્રપતિએ તેમની સ્વર્ગસ્થ માતાના નામે એક વડનું વૃક્ષ વાવ્યું છે, જે આવનારી પેઢીઓ માટે આપણી મિત્રતા અને પર્યાવરણ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક રહેશે.”
પ્રધાનમંત્રી મોદીએ યાદ કર્યું કે દસ વર્ષ પહેલાં તેમની મોંગોલિયા મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા હતા. “છેલ્લા દાયકામાં આપણી ભાગીદારીના દરેક પાસામાં નવી ઊંડાઈ અને પહોળાઈ જોવા મળી છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગ સતત મજબૂત થયો છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત-મોંગોલિયા સંબંધો માત્ર રાજદ્વારી સીમાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સદીઓ જૂના આધ્યાત્મિક બંધનો પર આધારિત છે. “આપણા સંબંધોની સાચી ઊંડાઈ આપણા લોકો-થી-લોકોના સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી, બંને દેશો બૌદ્ધ ધર્મના તાંતણે બંધાયેલા છે. આ જ કારણ છે કે આપણને ‘આધ્યાત્મિક ભાઈ-બહેન’ કહેવામાં આવે છે.”
આ જોડાણને વધુ ગાઢ બનાવવા માટે પ્રધાનમંત્રીએ બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.આવતા વર્ષે, ભગવાન બુદ્ધના બે મહાન શિષ્યો, સારીપુત્ર અને મૌદ્ગલ્યાયનના પવિત્ર અવશેષો ભારતથી મોંગોલિયા મોકલવામાં આવશે.ભારત બૌદ્ધ ગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે ગંડન મઠમાં એક સંસ્કૃત શિક્ષક પણ મોકલશે.આ ખાસ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, બંને દેશોએ સહિયારા વારસા અને સભ્યતા સંબંધોનું પ્રતીક કરતી સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડી.વળી, બંને દેશોના નાગરિકો વચ્ચેના સંપર્ક અને મુસાફરીમાં સરળતા માટે ભારતે મોંગોલિયન નાગરિકો માટે મફત ઈ-વિઝા સુવિધાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રીએ નિષ્કર્ષમાં કહ્યું, “ભલે ભારત અને મંગોલિયા સરહદો શેર કરતા નથી, ભારત હંમેશા મંગોલિયાને પોતાનો પાડોશી માનશે. આપણી સરહદો ભલે જોડાયેલી ન હોય, પરંતુ આપણા હૃદય જોડાયેલા છે.”આ બેઠક બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યૂહાહાત્મક સહયોગના નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે.