
- વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન બન્યા,
- રાપરમાં 24 કલાક દરમિયાન 12.48 ઈંચ અને આજે વધુ 5 ઈંચ વરસાદ પડ્યો,
- જિલ્લામાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ કરાયા
ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 15 ઈંચ વરસાદ પડ્યો છે.ગઈકાલથી આજે સવાર સુધીમાં રાપરમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો પડ્યો હતો. દરમિયાન આજે સોમવારે સવારથી બપોર સુધીમાં લખપતમાં 5 ઈંચ, રાપરમાં 4.45 ઈંચ, ગાંધીધામમાં 3.43 ઈંચ, નખત્રાણાં 3 ઈંચ તેમજ ભૂજ અને અંજારમાં પણ બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. કલેકટર અને DDOની સૂચનાથી અતિભારે વરસાદના કારણે આજે સોમવારે કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહી હતી. રજા જાહેર કરવામાં આવી હતી. કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું છે. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બન્યું છે. વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન બન્યો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.
કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ આજે સવારના 4 કલાકમાં ફરી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળા-કૉલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારનો ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતાં પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે. ભૂજના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂજના જ્યુબલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહ્યા છે. શહેરનું હૃદય સમાન હંમેશા તળાવ ઓવરફ્લો થવાને માત્ર બેથી ત્રણ ફૂટ દૂર રહેવા પામ્યું છે. બીજી તરફ ભૂજમાં વહેલી સવારથી વીજ પ્રવાહ ખોરવાયો છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે.