
- ધૂમ્મસને લીધે બસચાલકને રોડ ન દેખાતા બસ રોડ સાઈડ પર ઉતરીને પલટી ખાધી,
- ઊંઝાથી યાત્રાળુઓ લકઝરી બસમાં દ્વારકાના દર્શન માટે જતાં હતા
- ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
મોરબીઃ જિલ્લાના આમરણ પાસે હાઈવે પર ગત મધરાત બાદ યાત્રાળુઓની એક લકઝરી બસ પલટી જતા 15થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. મહેસાણાના ઊંઝાના યાત્રાળુઓ દ્વારકા દર્શન કરવા માટે જતાં હતા. ત્યારે માળિયા-જામનગર હાઈવે પર આમરણ પાસે બસના ચાલકને ધૂમ્મસને લીધે રોડ ન દેખાતા બસ રોડસાઈડ પર ઉતરીને પલટી ખાઈ ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી યાત્રાળુઓનો સંઘ ખાનગી ટ્રાવેલ્સ દ્વારકા જઈ રહ્યો હતો જોકે આ યાત્રાળુઓનો સંઘ દ્વારકા પહોચે તે પહેલા માળિયા જામનગર હાઇવે પર રાત્રીના 2:30 વાગ્યાની આસપાસ હાઇવે પર છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે બસના ચાલકને આગળનો રસ્તો બરાબર ન દેખાતા બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી જે બાદ બેકાબુ બની પલટી મારી જતા બસમાં સવાર 40 થી વધુ મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા બસમાં મોટા ભાગના આધેડ વયના અને વૃદ્ધ લોકો હતા બનાવની જાણ થતા 108ની અલગ અલગ ટીમ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને 15થી ઈજાગ્રસ્તોને સારવાર આપી મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાથી તમામ ઈજા ગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એક પ્રવાસીને વધુ ઈજા હોવાથી સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.