
- તા. 16મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે,
- સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવાશે,
- આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારાઓને તેમની સોસાયટીથી વતન સુધી સેવા અપાશે,
સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ સહિત અનેક નાના-મોટા ઉદ્યોગોમાં લાખો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. બહારગામના અને શહેરમાં વસવાટ કરતા લાખો પરિવારો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. તેથી દેવાળીના તહેવારો પહેલા જ પ્રવાસી ટ્રાફિકમાં જબરો વધારો થાય છે. આથી પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે સુરત એસટી ડિવિઝન દ્વારા 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવાશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે. એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ વેબસાઈટ તથા GSRTC એપ પરથી કરાવી શકાશે.
રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી એસ.ટી.બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદ્રઢ માળખું બનાવ્યું છે. દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તા.16થી 19મી ઓક્ટો. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ 1600 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન સુરત એસ.ટી.વિભાગ દ્વારા કુલ 1359 ટ્રીપોનું સંચાલન કરી 86,599 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા હતા અને નિગમે કુલ રૂ.2.57 કરોડ(બે કરોડ સત્તાવન લાખ) આવક મેળવી હતી.