
- 21 દિવસમાં ડેન્ગ્યુના 394 કેસ નોઁધાયા,
- ડેન્ગ્યુની નવી પેટર્ન પહેલીવાર પકડાતો નથી,
- વાયરલ ફિવરના પશ્વિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ
અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ ગરમી સાથે બફારો પણ વધ્યો છે. સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. છેલ્લા 21 દિવસમાં ડેન્ગ્યુના 394 કેસ નોંધાયા છે. જેમાંથી 73 ટકા કેસ તો પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા છે. શહેરના ગોતામાં સૌથી વધુ 34 અને બોડકદેવમાં 29 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં આવતા કેસનો મ્યુનિ. ચોપડે ઉલ્લેખ ન હોવાથી હકીકત ખબર પડતી નથી. હાલમાં ઘેર ઘેર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને વાઈરલ ફીવરનો વાવર છે.
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવરના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના બોડકદેવ, ગોતા, થલતેજ, જોધપુર સહિતના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ આવી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મ્યુનિ.એ બાંધકામ સાઈટો પર તપાસ કરી મચ્છરોના પોરા મળતા દંડ, સીલની કાર્યવાહી શરૂ કરી છે. ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયાના 35, સાદા મેલેરિયાના 79 અને ઝેરી મેલેરિયાના 4 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે 8359 કન્સ્ટ્રક્શન સાઇટની તપાસ કરી રૂ.1.53 કરોડનો દંડ વસૂલ કરાયો હતો. પાણીજન્ય રોગચાળામાં કમળાના 342, ટાઈફોઈડના 404, ઝાડા-ઊલટીના 351 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. પાણીના 344 કેસમાં ક્લોરિન નીલ આવ્યું છે. 87માં બેક્ટેરિયાની હાજરી મળી હતી.
આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ ડેન્ગ્યુના કેસમાં છેલ્લા કેટલાક સમયથી પેટર્ન બદલાઈ રહી છે. અગાઉ ડેન્ગ્યુની સારવાર લીધા બાદ ઘણાખરા કેસમાં દર્દીનો જીવ બચી જતો હતો. જો કે, હવે દર્દીઓને તાવ આવે છે અને સારો થઈ જાય છે પણ ઘણી વખત પહેલીવારમાં ડેન્ગ્યુનું નિદાન થતું જ નથી અને દર્દી સાજો થઈ ગયા બાદ પાંચ-છ મહિના પછી ફરી તાવ આવે તો દર્દીના જીવને જોખમ વધી જાય છે અને કેટલાક કેસમાં દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે, જેને સેકન્ડરી ડેન્ગ્યુ કહેવાય. એક-બે દિવસમાં જ દર્દીનું મોત નિપજવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં દર્દી અચાનક ગંભીર થઈ જાય છે અને તેને બચાવવો અશક્ય થઈ જાય છે. અચાનક તાવ આવ્યા બાદ બીજા કે ત્રીજા જ દિવસે દર્દીનું મોત નિપજવા પાછળ ઓવર એક્ટિવ ઈમ્યુન સિસ્ટમ પણ કારણભૂત હોય છે.