
માતાની હિંમત અને પુત્રની કારકિર્દીને મળી પાંખ: વંશે ‘નાસા’માં ભરી ઉડાન, અદાણી જૂથની કંપનીએ લંબાવ્યો મદદનો હાથ
અમદાવાદઃ વર્ષ 2021 માં જ્યારે આખું વિશ્વ કોરોનાની ઝપેટમાં હતું, ત્યારે દિલ્હીની પૂજા સક્સેનાનું જીવન પણ એક જ ઝાટકામાં તૂટી ગયું. 23 વર્ષ સુધી અદાણી સિમેન્ટમાં સેવા આપનાર તેના પતિ વિવેક કુમારનું મહામારીના મોજામાં અવસાન થયું. પૂજા કિશોરવયના પુત્ર વંશની સંપૂર્ણ જવાબદારી સાથે એકલી પડી ગઈ. ભવિષ્ય માટે કોઈ સ્પષ્ટ દિશા ન હતી, પરંતુ માતાની ફરજ, પુત્રની આંખોમાં નીતરતા અતૂટ વિશ્વાસે પૂજાને તૂટવા ન દીધી. પૂજાએ હિંમત એકઠી કરી ફરીવાર મોરચો સંભાળ્યો અને તેમાં અદાણી ગ્રુપે મદદનો હાથ લંબાવ્યો.
અદાણી ગ્રુપે માત્ર તેના પતિની સેવાઓનું સન્માન જ નહીં, પરંતુ પૂજાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરી કંપનીમાં એક નવી ભૂમિકા આપી. પૂજા માટે તે એક નવી શરૂઆત હતી. એક પ્લેટફોર્મ જે તેને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતું હતું. એક નોકરીથી વધીને તે પરિવાર માટે એક ટેકો હતો.
પૂજાનો પુત્ર વંશ તે સમયે એક અલગ ઈતિહાસ લખી રહ્યો હતો. તેને બાળપણથી જ કમ્પ્યુટર્સ પ્રત્યે ઊંડો પ્રેમ હતો. જ્યારે અન્ય બાળકો મોબાઇલ ગેમ્સ કે ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા, ત્યારે વંશ કમ્પ્યુટર સિસ્ટમ્સ અને કોડ્સમાં રચ્યોપચ્યો રહેતો હતો. ધીમે ધીમે તેનો રસ એથિકલ હેકિંગ તરફ ગયો. એથિકલ હેકિંગ એટલે જેમાં સિસ્ટમને નુકસાન પહોંચાડ્યા વિના નબળાઈઓ શોધી સુરક્ષા મજબૂત બનાવાય છે. વંશ કહે છે, “મારું માનવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ.
માત્ર 17 વર્ષની ઉંમરે વંશે યુએસ સ્પેસ એજન્સી નાસાની એક વેબસાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી શોધી કાઢી. આ એક એવી સિદ્ધિ હતી કે નાસાએ પોતે તેને ઓળખી વંશનું નામ તેના હોલ ઓફ ફેમમાં નોંધાવ્યું. તે ક્ષણને યાદ કરતાં વંશ કહે છે, “હું ઘણા દિવસોથી પરીક્ષણો કરી રહ્યો હતો. એક દિવસ અચાનક તે બગ સ્ક્રીન પર દેખાયો. હું થોડીવાર માટે તેને જોતો રહ્યો, મને વિશ્વાસ જ ન થયો કે હું આ કરી શકી છું.” પૂજા માટે આ ક્ષણ ગર્વની સાથે સંઘર્ષોની જીતની હતી.
મહામારીના મોજામાં પૂજા અને વંશને એક એવો હેતુ મળ્યો જેનાથી દુનિયામાં તેનું નામ થઈ ગયું. ક્યારેક, મહાન વારસો સ્મારકોમાં નહીં, પરંતુ વ્યક્તિગત નુકસાનથી ઉપર ઉઠવાની ક્ષણોમાં રહે છે.