નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં ઈટાલી અને કેનેડાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલનથી અલગ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, નવીનતા, કૃત્રિમ બુદ્ધિ, અવકાશ અને શિક્ષણમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદી ભંડોળ સામે સહયોગ વધારવા અને વૈશ્વિક સુરક્ષા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે સંયુક્ત પહેલ શરૂ કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત અને ઇટાલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે જેનાથી બંને દેશોના લોકોને ફાયદો થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મેલોનીએ દિલ્હી આતંકવાદી હુમલા પર ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી મેલોનીએ ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર અને આવતા વર્ષે ભારત દ્વારા આયોજિત થનારા કૃત્રિમ બુદ્ધિ અસર પરિષદની સફળતા માટે ઇટાલીનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો.


