
નરેન્દ્ર મોદીએ મે 2022થી ડિસેમ્બર 2024માં 38 વિદેશની યાત્રા કરી, 258 કરોડનો ખર્ચ થયો
નવી દિલ્હીઃ સરકાર દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 38 વિદેશ પ્રવાસો પર લગભગ 258 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ યાત્રાઓમાંથી, સૌથી મોંઘી યાત્રાઓ જૂન 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની મુલાકાત હતી, જેના પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિતાએ આ માહિતી આપી હતી. ખડગેએ સરકારને પૂછ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં વડા પ્રધાનની વિદેશ મુલાકાતોની વ્યવસ્થા કરવા માટે ભારતીય દૂતાવાસો દ્વારા કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેમણે હોટેલ વ્યવસ્થા, સમુદાય સ્વાગત, પરિવહન વ્યવસ્થા અને અન્ય પરચુરણ ખર્ચ જેવા મુખ્ય શીર્ષકો હેઠળ થયેલા પ્રવાસ-વાર ખર્ચની વિગતો પણ માંગી.
આના જવાબમાં, માર્ગેરિટાએ 2022, 2023 અને 2024માં વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસોના દેશવાર ખર્ચના ડેટાને કોષ્ટક સ્વરૂપમાં શેર કર્યો હતા. આ મુલાકાતોમાં અધિકારીઓ, તેમની સાથે સુરક્ષા અને મીડિયા પ્રતિનિધિમંડળોનો સમાવેશ થતો હતો.
માહિતી અનુસાર, જૂન 2023માં વડા પ્રધાનની અમેરિકા મુલાકાત પર 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર 2024માં તે જ દેશની તેમની મુલાકાત પર 15,33,76,348 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ આંકડા 38 પ્રવાસોના હતા, જેમાં મે 2022માં જર્મનીની યાત્રાથી લઈને ડિસેમ્બર 2024માં કુવૈતની યાત્રાનો સમાવેશ થાય છે.
મે 2023માં પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત સંબંધિત માહિતી અનુસાર, તેના પર 17,19,33,356 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે મે 2022માં નેપાળ મુલાકાત પર 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પોતાના જવાબમાં, મંત્રીએ 2014 પહેલાના વર્ષોના કેટલાક આંકડા પણ શેર કર્યા હતા.
તેમણે કહ્યું કે, અગાઉ વડા પ્રધાનની વિદેશ મુલાકાતોનો ખર્ચ રૂ. 10,74,27,363 (યુએસએ, 2011) હતો. જ્યારે 9,85,75,890 રૂપિયા (રશિયા, 2013), 83349463 રૂપિયા (ફ્રાન્સ 2011) અને 60223484 રૂપિયા (જર્મની 2013) હતું. તેમણે કહ્યું, “આ આંકડા ફુગાવા અથવા ચલણના વધઘટને સમાયોજિત કર્યા વિના વાસ્તવિક ખર્ચને પ્રતિબિંબિત કરે છે.”