
- મ્યુનિ.કોર્પોરેશને 5વાર ટેન્ડર જારી કર્યા છતાં કોઈ તૈયાર થયુ નહીં
- શહેરમાં દરેક શેરીઓ અને સોસાયટીઓમાં કૂતરા જોવા મળે છે
- છેલ્લા 11 મહિનામાં ડોગ બાઈટના 4857 કેસ નોંધાયા
સુરતઃ શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા વધતી જાય છે. શહેરની શેરીઓ કે સોસાયટીઓમાં રખડતા કૂતરાઓ જોવા મળતા હોય છે. સાથે કૂતરા કરડવાના (ડોગ બાઈટ) બનાવો પણ વધી રહ્યા છે. કૂતરાની સંખ્યામાં વધારાની ફરિયાદો મળ્યા બાદ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા કૂતરાની વસતી ગણતરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને એના માટે પાંચ વખત ટેન્ડર જારી કરવામાં આવ્યા હોવા છતાંયે કોઈ એજન્સી તૈયાર થતી નથી.
સુરત શહેરમાં ડોગ બાઈટની ઘટનાઓ વધતી જાય છે, જેને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ કેટલા શ્વાન છે. એની ગણતરી કરવા માટે લગભગ પાંચ વખત ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું. શહેરમાં કુલ કેટલા શ્વાન છે, કેટલાના ઓપરેશન કરવામાં આવ્યા છે અને કેટલાં પપ્પી છે. એની ગણતરી કરવાની હતી. પરંતુ, મ્યુનિને હજુ સુધી કોઈ એવી સંસ્થા મળી નથી, જે સમગ્ર શહેરમાં શ્વાનોની ગણતરી કરી શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં દર મહિને સરેરાશ 550 ડોગ બાઈટના કેસ નોંધાય છે. વર્ષ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં કુલ 4,857 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ જાન્યુઆરી 2025માં 556, ઓગસ્ટ 2024માં 554, અને એપ્રિલ 2024માં 534 નોંધાયા હતા. રખડતા શ્વાનોના ત્રાસના કારણે ડોગ બાઈટના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો આ અંગે ઓનલાઇન અને લેખિતમાં ફરિયાદ કરે છે, ત્યારબાદ મ્યુનિ. દ્વારા જે તે વિસ્તારમાં રખડતા શ્વાન પકડવાની અને ખસીકરણ-રસીકરણની કામગીરી કરવામાં આવે છે.
સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2021થી આજદિન સુધી છેલ્લા ચાર વર્ષમાં 45,545 શ્વાનોના ખસીકરણ-રસીકરણ કરવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં 3,605, વર્ષ 2022-23માં 9,289, વર્ષ 2023-24માં 16,862 અને વર્ષ 2024-25માં 15,799 શ્વાનના ખસીકરણ-રસીકરણ કરવામાં આવ્યા છે. સતત દર વર્ષે આ સંખ્યા વધી રહી છે, ત્યારે આવા કેસોને નિકાલ કરવા માટે, સુરત મ્યુનિ.કોર્પોરેશન શ્વાનોની કુલ સંખ્યા જાણી લેવા માગે છે. મ્યુનિ કોર્પોરેશન પાંચ વખત ટેન્ડર બહાર પાડી ચૂકી છે પણ કોઈ સંસ્થા ન મળવાનું મુખ્ય કારણ એ છે કે, સુરતમાં શ્વાનોની સંખ્યા ખૂબ જ વધુ છે અને તેમને શોધવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. સાથે જ તેમની ઓળખ કઈ રીતે કરી શકાય તે પણ એક મોટો પ્રશ્ન છે. અથાર્ત સુરત મ્યુનિ. ઈચ્છે છે કે, શ્વાનના બચ્ચાઓ (પપ્પી) કેટલા છે તે પણ ગણતરી કરવામાં આવે. આ જટિલ પ્રક્રિયાને કારણે, હજુ સુધી સુરત મ્યુનિને કોઈ સંસ્થા મળી નથી.