1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું
વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

0
Social Share
  • ધાનેરાવાસીઓએ બનાસકાંઠા સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો
  • જિલ્લા કલેકટરને 5000 વાંધા અરજીઓ આપી
  • જિલ્લાના લોકો કહે છે, બનાસકાંઠાનું વિભાજન કરીને સરકારે મોટી ભૂલ કરી છે

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ ચારેકોરથી વિરોધનો સૂર ઊઠતાં સરકાર ભરાણી છે. કાંકરેજ બાદ હવે ધાનેરાએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને બનાસકાંઠા સાથે જોડાવાની માગ કરી છે. ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ-થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા, આજે મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે પહોંચ્યા હતા. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલા રહેવા માગે છે. આ માંગણીને સમર્થન આપતી હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે. ધાનેરાના સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દૃઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયારી કરી રહ્યા છે. દરમિયાન છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે જિલ્લા કલેકટરે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને હિત રક્ષક સમિતિના પ્રમુખ અમૃત રાવલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય હેતુ તાલુકાના લોકોનો મત જાણવાનો હતો.

જિલ્લા વિભાજનની જાહેરાત બાદથી ધાનેરામાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ પોતાની માંગણીને વેગ આપવા જિલ્લા કલેકટરને હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ સુપરત કરી છે. આ બેઠક દ્વારા વહીવટી તંત્ર અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે સંવાદ સ્થાપિત થયો છે, જે આગામી દિવસોમાં આ મુદ્દાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code