
- આરટીઈમાં પ્રવેશ માટે 13 કેટેગરીને અગ્રતા અપાશે
- 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય એવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાશે
- અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ અપાશે
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં આજે તા. 28મી ફેબ્રુઆરીથી આરટીઈ ( રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. જે 12 માર્ચ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે. ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. ખાનગી શાળાઓમાં બાળકોને અપાયેલા બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને ચૂકવવામાં આવશે. અરજદારોએ ઓનલાઈન અરજી https://rte.orpgujarat.com પર કરી શકાશે.
ગુજરાતના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો. 1માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો. 8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે. જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામાં આવશે. RTEમાં ગુજરાતમાં 93,527 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સૂચિ 27 માર્ચે જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ખોટા ડોક્યુમેન્ટસના આધારે એડમીશન લેતા અમદાવાદમાં 197, સુરતમાં 108 વિદ્યાર્થીઓનાં એડમિશન રદ કરવામાં આવેલા છે.
અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે.સુરત શહેરમાં 994 સ્કૂલોમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 સ્કૂલમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. વડોદરામાં આરટીઈ હેઠળ કુલ 333 સ્કૂલમાં 4,800 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. જ્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે.
આરટીઈ પ્રવેશ બાળકોને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે. આ વર્ષે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેની જાહેરાત આજે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા કરવામાં આવી છે. વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ ઉપરથી ફોર્મ ભરી શકશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. RTE પ્રવેશમાં 13 કેટેગરીને અગ્રતા અપાશે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક, બાલગૃહના બાળકો, બાળ મજૂર-સ્થળાંતરીત મજૂરના બાળકો,મંદબુધ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો-શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો તેમજ જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓને પ્રવેશમાં અગ્રતા અપાશે