- જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર થતાં માર્ગો પહોળા દેખાવા લાગ્યા
- નાના વેપારીઓ અને ફેરિયાઓએ વૈકલ્પિક જગ્યાની પાલિકા પાસે માગ કરી
- નગરપાલિકા દ્વારા 15મી જાન્યુઆરી બાદ નક્કી કરીને સ્થળની ફાળવણી કરાશે
કલોલઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ખડકાયેલા દબાણોને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાઓ પર દબાણોને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હતા. આથી નગર પાલિકાના વહીવટીતંત્ર દ્વારા કલોલ હાઇવે તેમજ સીંદબાદ હોટલ રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણો દુર કરાતા નાના વેપારીઓ અને ફેરિયાઓએ વિરોધ કર્યો હતો. અને વૈકલ્પિક જગ્યાની માગણી કરી હતી.
કલોલ શહેરના જાહેરમાર્ગો પરના દબાણોના કારણે સર્જાતા અકસ્માત તેમજ ટ્રાફિક જામની સમસ્યા કાયમી ઉકેલ સાથે ઠેર ઠેર રોડ રસ્તાઓ અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી જિલ્લા કલેકટરના આદેશ બાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને કૂલ 700 કરતાં પણ વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. જેમાં સીંદબાદ હોટલ રોડ સહિતના રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જૂની શાકમાર્કમાં દબાણ હટાવો સામે વિરોધ થતાં કેટલાક દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.. આ રોડ પરની લારીઓ તેમજ ગેરકાયદેસર દબાણકર્તાઓનો સમાન જપ્ત કરી દંડ વસૂલવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલોકમાં જાહેર રોડ પરથી દબાણો હટાવતા નાના ધંધાર્થીઓ દ્વારા વૈકલ્પિક જગ્યા આપવાની માગ કરી હતી.. દરમિયાન નગર પાલિકાના પ્રમુખ શૈલેશ પટેલે હૈયાધારણ આપી હતી. કે વહીવટી તંત્ર દ્વારા 15 જાન્યુઆરી પછી ધંધા-રોજગાર માટે સ્થળ ફાળવામાં આવશે.