
આતંકવાદના મામલે પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ મુનીરે શરીફ સરકાર ઉપર કર્યાં પ્રહાર
પાકિસ્તાનના સીઓએએસ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરે તાજેતરની ઘટનાઓ પર શાહબાઝ શરીફ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પાકિસ્તાનમાં સુરક્ષાની કથળતી સ્થિતિ માટે રાજકારણીઓને જવાબદાર ઠેરવ્યા હતા. સંયુક્ત સંસદીય સમિતિને સુરક્ષા બ્રીફિંગમાં, તેમણે આતંકવાદ સામે લડવા અને વધુ સારા શાસનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “આપણે આપણા રાજકીય અને વ્યક્તિગત હિતોથી ઉપર ઉઠીને પાકિસ્તાનની સુરક્ષા માટે એક અવાજમાં કામ કરવું પડશે.” તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાન સમર્થિત આતંકવાદ સામે લડવું એ પાકિસ્તાન માટે અસ્તિત્વનો ખતરો છે. તેમણે પ્રશ્ન કર્યો કે પાકિસ્તાન નબળા શાસનને કારણે ક્યાં સુધી લોકોના જીવનું બલિદાન આપતું રહેશે.
રાજકીય એકતાનું આહ્વાન કરતા, તેમણે નેતાઓને પાકિસ્તાનની સુરક્ષા માટે મતભેદોને બાજુ પર રાખવા વિનંતી કરી હતી. તેમણે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ચેતવણી આપી હતી કે પાકિસ્તાન તેમને હરાવવા માટે એકજૂટ રહેશે. પોતાના દૃઢ નિશ્ચય સાથે તેમણે ઉપરવાળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને અંતિમ સફળતા પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.