ગાંધીનગર, 1 સપ્ટેમ્બર, 2026 : Panchayat Version Workshop’ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક વિશેષ ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સંસદીય પ્રણાલીઓથી સુસજ્જ કરવાના ઉદ્દેશથી યોજાનાર આ રાજ્યવ્યાપી કાર્યશાળાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાતથા પંચાયત પરિષદના પ્રમુખના હસ્તે કરવામાં આવશે, જ્યારે તેનું સમાપન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહિડા (રા.ક.), ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તથા સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન થશે.
આ તાલીમ કાર્યશાળામાં સમગ્ર ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો તેમજ જિલ્લા મુખ્યમથકની તાલુકા પંચાયતોના પ્રમુખઓ, ઉપ-પ્રમુખઓ અને કારોબારી સમિતિના ચેરમેનો ઉપસ્થિત રહેશે. આ સાથે ધારાસભ્યો તથા મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ વિશેષ આયોજન અંતર્ગત ૧૮૮ પદાધિકારીઓ પ્રત્યક્ષ સહભાગી થશે. વિશેષરૂપે, ગ્રામીણ નેતૃત્વમાં નારી શક્તિના સશક્તિકરણને ઉજાગર કરતા ૭૦ મહિલા પદાધિકારીઓ પણ આ કાર્યશાળામાં સક્રિય ભાગીદારી નોંધાવશે.
સંસદીય લોકશાહીને વધુ અસરકારક, સક્ષમ અને જવાબદાર બનાવવા તેમજ જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓમાં સંસદીય કાર્યપ્રણાલી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી ગુજરાત વિધાનસભામાં વર્ષ ૧૯૮૨માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી દાદાસાહેબ માવળંકરના નામે સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોની સ્થાપના કરવામાં આવી હતી. આ બ્યુરો દ્વારા અત્યાર સુધીમાં ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિધાનમંડળોના પ્રતિનિધિઓ માટે પરિસંવાદો, વકતૃત્વ સ્પર્ધાઓ અને મોક પાર્લામેન્ટ જેવા ૧૬૨થી વધુ પ્રશિક્ષણ કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું છે.


