અમદાવાદ, 7 જાન્યુઆરી 2026: Peddler caught with 504 grams of MD drugs in Juhapura ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સની બદી વધી રહી છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. ત્યારે શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુહાપુરામાંથી પોલીસે 504 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને દબોચી લીધો હતો. ક્રેટા કારમાં ડ્રગ્સ સાથે ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઝોન 7 એલસીબી પીઆઇ આઈ.જે જાડેજાની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરામાં એક વ્યક્તિ કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને બેઠો છે જેથી એલસીબી અને વેજલપુર પોલીસે સાથે મળીને જુહાપુરા રોયલ અકબર ટાવર પાસેથી ક્રેટા કારમાંથી તોસિફ અહેમદ કાદરી નામના વ્યક્તિને દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી ડ્રાઈવર સીટની નીચેથી થેલીમાંથી 504 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે FSL ની ટીમ બોલાવી ડ્રગ્સનું પરીક્ષણ કરાવતા એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ડ્રગ્સ સાથે તોસિફ કાદરીની ધરપકડ કરી છે.આરોપી જુહાપુરાનો જ રહેવાસી છે.આરોપીએ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી જ એક વ્યક્તિ જોડેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.આરોપી ડ્રગ્સ છૂટક વેચાણ કરવાનો હોવાની કબૂલાત કરી હતી.આરોપી અગાઉ પણ NDPS ના કેસમાં પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


