- જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે બન્યો બનાવ,
- પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
જામનગરઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક હાઈવે પર કનસુમરા પાટીયા પાસે બોલેરો કારે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવમાં પોલીસે બોલેરો કારના ચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા ગૌતમ કાનજીભાઈ પરમાર નામના યુવાને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતા કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 45) ને હડફેટમાં લઈ મૃત્યુ નીપજાવવા અંગે જી.જે 37 વી. 8338 નંબરની બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ગૌતમભાઈના પિતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પરમાર (ઉમર વર્ષ 45) કે જેઓ કનસુમરા ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરાના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળ પરજ કરુંણ મૃત્યુ નીપજયું હતું. જે બનાવ અંગે ગૌતમ પરમારે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


