
- જુનાગઢ શહેરની આઝાદી સાથે ટાઉનહોલ જોડાયેલા છે
- શામળદાસ ગાંધી ટાઉન હોલ નાટક સંગીતના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે
- વર્ષ 2203માં ટાઉનહોલનું રિનોવેશન કરાયુ હતું.
જુનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અને શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લાં 383 દિવસથી બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી બંધ કરાયેલા ટાઉન હોલને ફરી ખૂલ્લો મુકવા માટે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. જેના કારણે કલા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ શહેરની આઝાદી સાથે શામળદાસ ગાંધી ટાઉનહોલ જોડાયેલો છે, આવી સ્થિતિમાં કલા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ શકે તેવા એકમાત્ર સ્થળને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બંધ રખાયું છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ છેલ્લાં 383 દિવસથી સતત બંધ હાલતમાં છે, જેના કારણે કલા પ્રેમીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતા આયોજકો અને કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરની મધ્યમાં આવેલો અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું છેલ્લાં 6 દાયકાઓથી કેન્દ્ર બની રહેલો શામળદાસ ગાંધી ટાઉન હોલ આજે નાટક સંગીત અને અન્ય કલાના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે. જેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના સ્થાનિક કલાકારો કલા પ્રેમીઓ અને નાટક અને અન્ય કાર્યક્રમનું આયોજન કરતા આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે શહેરના મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે, ટુંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ટાઉન હોલની રૂબરૂ મુલાકાત લઈશું, આ મુલાકાત બાદ ટાઉનહોલને કઈ રીતે ફરીથી કલા નાટ્ય અને અન્ય સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધબકતો કરી શકાય તેને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શામળદાસ ગાંધી ટાઉનહોલનું અત્યાર સુધીમાં ત્રણ વખત રીનોવેશન કરવામાં આવ્યું છે, 09મી ડિસેમ્બર 2003ના દિવસે રીનોવેશન થયા બાદ તત્કાલિન કેન્દ્રીય રાજ્ય પ્રધાન ભાવનાબેન ચીખલીયા અને તત્કાલિન રાજ્યના નાણા પ્રધાન વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ જૂનાગઢની જનતાને સમર્પિત કરાયો હતો.