- મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગતા મહિલાએ બુમાબુમ કરી
- લોકોએ પાછલ દોડી સ્નેચરને પકડી પોલીસ હવાલે કર્યો
- મહિલાએ પણ ઉશ્કેરાઈને સ્નેચરને તમાચા માર્યા
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક રાહદારી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને સ્નેચરએ દોડ મુકી હતી. દરમિયાન મહિલાએ બચાવો બચાવોની બુમો પાડતા લોકોએ પણ દોડ મુકીને સ્નેચરને દબોચી લીધો હતો. અને સ્નેચરને લોકોએ મેથીપાક આપ્યો હતો. મહિલાએ પણ સ્નેચર પર તમાચા અને ચપ્પલ માર્યા હતા. ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક શખ્સ એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આસપાસના લોકો તરત જ સતર્ક બની ગયા હતા અને સમયસૂચકતા વાપરીને આ સ્નેચરને પકડી પાડ્યો હતો. મોબાઈલ સ્નેચર પકડાઈ જતાં ગુસ્સે ભરાયેલા લોકોએ તેને ‘મેથીપાક’ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, સૌથી વધુ આક્રોશ તે મહિલામાં જોવા મળ્યો હતો, જેની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવવાનો નિર્ણય લીધો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાએ આ સ્નેચરને એક પછી એક એમ કુલ 13 તમાચા માર્યા હતા. આટલેથી ન અટકતા, મહિલાએ પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને પણ ચારથી વધુ ચપ્પલો સ્નેચરને માર્યા હતા. મહિલાના આ પરાક્રમને જોઈને ત્યાં હાજર લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્નેચરને પકડ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ વરાછા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા વચ્ચેથી સ્નેચરનો કબજો મેળવ્યો હતો અને તેને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ મોબાઈલ સ્નેચરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


