1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ
ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ

0
Social Share
  • વલભીપુર અને સિહોર તાલુકામાંથી રૂ.32 લાખની વીજચોરી પકડાઈ,
  • વીજ ચેકિંગ દરમિયાન એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો,
  • જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 67 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વીજચોરીની બદી વધતા લાઈન લોસ વધતો જાય છે. તેથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીજીવીસીએલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં 77,69 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં  છેલ્લા બે દિવસમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચેના મહુવા અને પાલિતાણા ડિવિઝન બાદ ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના વિસ્તારોમાં કોર્પોરેટ ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ગ્રામ્ય, વલભીપુર અને સિહોર તાલુકામાંથી  રૂ.32 લાખની વીજચોરી પકડાઈ હતી.

પી.જી.વી.સી.એલ.ની સ્પેશિયલ ડ્રાઈવમાં આજે ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના ભાવનગર ગ્રામ્ય, વલભીપુર અને સિહોર તાલુકામાં વીજચોરી પકડવા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વરતેજ સબ ડિવિઝન, સિહોર રૂરલ સબ ડિવિઝન, સણોસરા સબ ડિવિઝન અને વલભીપુર સબ ડિવિઝન નીચેના વિસ્તારોમાં 39 ટીમોના સામૂહિક દરોડામાં કુલ 275 વીજ જોડાણની તપાસમાં 91 વીજ જોડાણમાંથી રૂ.32 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

વીજચોરી પકડવા અંગેની ખાસ ડ્રાઈવમાં 11 કે.વી. નવાગામ જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. હળીયાદ જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. ગુંદાળા જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. સોનગઢ જ્યોર્તિગ્રામ ફિડર અને 11 કે.વી. વિપુલ જ્યોર્તિગ્રામ ફિડરમાં સમાવિષ્ટ વરતેજ, હળીયાદ, ઢૂંઢસર, અમરગઢ અને ઉંડવી ગામમાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. વીજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 14 એસ.આર.પી. જવાન, 8 પોલીસ જવાન અને 7 જી.ઈ.બી. પોલીસ જવાનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ની વિશેષ ડ્રાઈવમાં 265 રહેણાંકી અને 10 વાણિજ્યના મળી કુલ 275 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 89 રહેણાંકી અને 2 વાણિજ્યના મળી કુલ 91 વીજ જોડાણમાંથી રૂ.32 લાખની વીજચોરીનો દંડ જે તે ગ્રાહકોને ફટકારવામાં આવ્યો હતો. વીજચોરી ડામવા જી.યુ.વી.એન.એલ. અને પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત કામગીરીમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વીજ ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તા.24મીને સોમવારે રૂ.25.77 લાખની, તા.25મીને મંગળવારે રૂ.19.89 લાખની અને આજે તા.26મીને બુધવારે રૂ.32.01 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 77.67 લાખની વીજચોરી મળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code