
- રોપાઓને ટેન્કર દ્વારા પાણી આપવું પડે તેવી સ્થિતિ,
- ગાંધીનગરમાં વરસાદની ઘટ,
- ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા માટે આ વખતે પ્રથમ વરસાદ બાદ મોટાપાયે વક્ષારોપણ કરાયું છે. હવે વરસાદ ખેંચાતા રોપેલા વૃક્ષોના છોડ કરમાઈ રહ્યા છે. મુરઝાતા છોડને બચાવવા હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજીબાજુ વરસાદની પણ રાહ જોવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં ચાલું ચોમાસા દરમિયાન મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે ચોમાસા દરમિયાન પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો નહીં હોવાથી અને છેલ્લા કેટલાક દિવસોથી ગરમી શરૂ થઇ ગઇ હોવાથી છોડ કરમાવા લાગ્યા છે. જેને લઇને શ્રાવણ માસમાં જ રોપાઓને પાણી પિવડાવવા માટે ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ગાંધીનગર શહેરને ફરી હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન અને વન વિભાગ ઉપરાંત શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના વૃક્ષો રોપવામાં આવ્યા છે. પરંતુ આ વખતે ચોમાસામાં રાજ્યના અન્ય વિસ્તારોમાં ઘણો સારો વરસાદ પડ્યો હતો, પરંતુ ગાંધીનગરમાં હજુ પણ પ્રમાણમાં જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અને ભેજનું પ્રમાણ ઘટ્યું છે. જેને કારણે રોપવામાં આવેલા રોપાઓ કરમાવા લાગ્યા છે. આ રોપાઓને બચાવવા માટે હાલ ચોમાસુ ચાલું હોવા છતાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક વિસ્તારોમાં વસાહતીઓ જાતે જ છોડ ઉછેરવાની જવાબદારી લીધી હોવાથી પાણી આપી રહ્યા છે. પરંતુ ખુલ્લા મેદાનો અને માર્ગોની સાઇડમાં ઉછેરવામાં આવેલા છોડમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેમ છે. સમયસર પાણી નહીં અપાય તો મોટા પ્રમાણમાં છોડ કરમાઇ જાય તેવી શક્યતા છે. (File photo)
#GandhinagarTreePlanting | #WateringTrees | #RainfallShortageGandhinagar | #TankersForTrees | #GandhinagarGreenInitiative | #HeatAndHumidityImpact | #TreeSurvivalGandhinagar | #MonsoonChallenges